Madhyapradesh માં એક જનસભાને સંબોધતા વડાપ્રધા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રવિવારે PM મોદીએ મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રૂ. 7,550 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું (PM Narendra Modi on Congress). આ દરમિયાન તેમણે રાજ્યની ‘ફૂડ સબસિડી સ્કીમ’ હેઠળ લગભગ બે લાખ મહિલા લાભાર્થીઓને માસિક હપ્તાનું વિતરણ પણ કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, 2024ની લોકસભા ચૂંટણીમાં (Loksabha election 2024) તેનો સફાયો નિશ્ચિત છે.
કોંગ્રેસને આડે હાથ લેતા પીએમ મોદીએ કહ્યું, ‘મધ્યપ્રદેશે પાછલા વર્ષોમાં બે અલગ-અલગ તબક્કા જોયા છે. એક ડબલ એન્જિન સરકારનો યુગ અને બીજો કોંગ્રેસ યુગનો અંધકાર યુગ! નવ યુવાનોને કદાચ યાદ પણ નહીં હોય કે આજે વિકાસના પંથે ઝડપથી દોડી રહેલ મધ્યપ્રદેશની ગણતરી, ભાજપ સરકાર પહેલા દેશના સૌથી બિમાર રાજ્યોમાં થતી હતી. અમારા માટે આદિવાસી સમાજ વોટ બેંક નથી પરંતુ દેશના ગૌરવ સમાન છે. તમારું સન્માન અને તમારો વિકાસ પણ…આ મોદીની ગેરંટી છે. તમારા સપના, તમારા બાળકોના સપના, યુવાનોના સપના… આ મોદીનો સંકલ્પ છે.’
ગુજરાતનું ઉદાહરણ આપતા PM મોદીએ કહ્યું કે પીએમ મોદીએ કહ્યું, ‘મેં ગુજરાતમાં જોયું હતું કે આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ન હોવાને કારણે બાળકોને શાળાએ જવા માટે ઘણા કિલોમીટર ચાલીને જવું પડતું હતું. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં આવા પટ્ટાઓમાં શાળાઓ ખોલાવી. હવે હું આદિવાસી બાળકો માટે દેશભરમાં એકલવ્ય નિવાસી શાળાઓ ખોલી રહ્યો છું. કોંગ્રેસે આટલા વર્ષોમાં માત્ર 100 એકલવ્ય શાળાઓ ખોલી હતી, જ્યારે ભાજપ સરકારે તેના 10 વર્ષમાં ચાર ગણી વધુ એકલવ્ય શાળાઓ ખોલી છે. એક પણ આદિવાસી બાળક શિક્ષણના અભાવે પાછળ રહી જાય તો તે મોદીને મંજૂર નથી.
લોકસભાની ચૂંટણીને લઈને તેને કહ્યું કે ‘મારા અહી આવવા પર ઘણી ચર્ચાઓ થવા માંડી હતી કે હું અહી આવીને લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકીશ. પરંતુ હું કહેવા માંગુ છું કે મોદી અહી ચૂંટણી માટે નથી આવ્યો, મોદી તો સેવકના રૂપમાં ઈશ્વર રૂપી MPની જનતા-જનાર્દનનો આભાર વ્યક્ત કરવા આવ્યો છે. મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી પહેલા જ વિધાનસભાના પરિણામોથી તમે જણાવી ચૂક્યા છો કે તમારો મૂડ શું રહેવાનો છે. એટલે જ તો વિપક્ષના મોટા મોટા નેતાઓ અગાઉથી જ કહેવા લાગ્યા છે કે- 2024માં 400 પાર, ફીર કે બાર મોદી સરકાર’
વડાપ્રધાને સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને 1.75 લાખ અધિકાર અભિલેખનું વિતરણ કર્યું હતું. આ સાથે લોકોને તેમના જમીનના હક્ક માટે દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ થશે. આ સિવાય પીએમ મોદીએ ઝાબુઆમાં ‘CM રાઇઝ સ્કૂલ’નો શિલાન્યાસ કર્યો. આ શાળા વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસ, ઈ-લાઈબ્રેરી વગેરે જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીનું સંકલન કરે છે. આ પછી તેમણે જનસભાને સંબોધી હતી.