Loktantra Bachao Rally: રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, 28 પાર્ટીના નેતા રહેશે હાજર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ભાજપને હરાવવા એકઠા થયેલા વિપક્ષી દળોનું INDIA ગઠબંધન આજે દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરશે. આજે દિલ્હીના રામલીલા મેદાનમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા INDIA ગઠબંધનની ‘લોકશાહી બચાવો’ રેલીની આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવાર સહિત ઘણા દિગ્ગજ નેતાઓ આ મેગા રેલીમાં ભાગ લેશે. મહારેલીને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રામલીલા મેદાનના દરેક ગેટ પર ચેકિંગની વ્યવસ્થાની સાથે સાથે આસપાસના વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધના ભાગ રૂપે રામલીલા મેદાનમાં ‘લોકશાહી બચાવો’ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત આ રેલીને લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનની એકતા અને શક્તિના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. વિપક્ષી ગઠબંધન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED), CBI અને આવકવેરા વિભાગ(IT) જેવી કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ સામે રેલીમાં અવાજ ઉઠાવશે.
કેજરીવાલ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રિઝ કરવાના અંગે વિરોધ કરવામાં આવશે. આવકવેરા વિભાગે કોંગ્રેસને રૂ. 1,800 કરોડની ટેક્સ નોટિસ પણ મોકલી છે.
ગઠબંધનની મહારેલીમાં ભીડ એકઠી કરવા માટે આમ આદમી પાર્ટીએ ઘરે-ઘરે લોકોને આમંત્રણ આપ્યું છે. રામલીલા મેદાનમાં 20,000 થી વધુ લોકોની હાજરી સાથે રેલીનું આયોજન કરવાની મંજૂરી મળી છે.
રેલી ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રામલીલા મેદાનના દરેક ગેટ પર ચેકિંગની વ્યવસ્થા કરી છે અને આસપાસના વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે કેટલીક શરતો સાથે રેલીનું આયોજન કરવાની પરવાનગી આપી છે, જેમાં મધ્ય દિલ્હીમાં કોઈ માર્ચ ન કાઢવા અથવા ટ્રેક્ટર ટ્રોલી અને હથિયારો ન લાવવાની શરતોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના શરદ પવાર, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સહિત 28 પક્ષોના નેતાઓ મહારેલીમાં ભાગ લેશે. આ રેલીમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, રાજ્યના કેબિનેટ મંત્રીઓ અને પંજાબના વિધાનસભ્યો ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ મહારેલીમાં હાજરી આપશે, પરંતુ તે રેલીને સંબોધશે કે નહીં તે નક્કી નથી. ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ રેલીમાં ભાગ લેશે. હેમંત સોરેન હાલ જેલમાં છે. AAPના નેતાઓએ કહ્યું કે તેઓ પીડીપી નેતા મહેબૂબા મુફ્તીના પણ સંપર્કમાં છે, તેઓ પણ રેલીમાં ભાગ લઈ શકે છે.
દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ઘણા રસ્તાઓ પર નિયંત્રણો અને ડાયવર્ઝન રહેશે. લોકોને આ માર્ગો ટાળવા અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન, ખાસ કરીને મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.