Loksabha Election: ઉત્તર પ્રદેશમાં ફરી Modi Magic ચાલશે, આટલી હાઈ પ્રોફાઈલ સીટ પર રહેશે નજર…
લખનઉ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દિલ્હીનું સુકાન પોતાના હાથમાં રાખવા માટે બાબા ભોલેનાથની નગરી વારાણસીની જ પસંદગી કરી છે. આ સીટ પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે એની સૌને અપેક્ષા હતી, જ્યારે મોદીનું નામ જાહેર કર્યા પછી લોકોએ ઉજાણી કરી હતી. નરેન્દ્ર મોદીએ વારાણસીથી ચૂંટણી લડવાની અસર 2014 અને 2019ની ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી જોવા મળી છે, જ્યારે બીજું નામ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું પણ લેવાય છે.
સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા જાળવી રાખવાનું લક્ષ્ય રાખતા ભાજપે તેના વર્તમાન સાંસદોમાં ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને રાજકીય દૃષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ગણાતા ઉત્તર પ્રદેશમાં તમામ 80 બેઠક જીતવાના લક્ષ્ય પર ભાજપ કામ કરી રહ્યું છે.
વડા પ્રધાન મોદી સતત ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડશે. તેમણે છેલ્લી બે ચૂંટણીઓ 2014 અને 2019માં આ જ બેઠક પરથી અનુક્રમે 3.71 લાખ અને 4.79 લાખ મતના જંગી માર્જિનથી જીતી હતી. આ સિવાય રાજનાથ સિંહ 2014 અને 2019ની ચૂંટણી અનુક્રમે 2.72 લાખ અને 3.47 લાખ મતોના માર્જિનથી જીત્યા બાદ ત્રીજી વખત લખનઉથી ફરીથી ચૂંટણી લડશે.
યુપીની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ વારાણસી પછી લખનઊ બીજા નંબરની છે, ત્યારબાદ અમેઠી છે. અમેઠી પરથી સ્મૃતિ ઈરાની છે. ભાજપની પહેલી યાદીમાં વારાણસીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લખનઉથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મથુરાથી હેમા માલિની, ખેરીથી અજય મિશ્રા ટેની, અમેઠીથી સ્મૃતિ ઈરાની, ફૈઝાબાદ (અયોધ્યા)થી લલ્લુ સિંહ અને ચંદૌલીથી મહેન્દ્ર નાથ પાંડેનો સમાવેશ થાય છે.
ભાજપના ઉમેદવારોની યાદીમાં સામેલ નવા શહેરોમાં શ્રાવસ્તીથી સાકેત મિશ્રા, જૌનપુરથી કૃપાશંકર સિંહ અને આંબેડકરનગરથી રિતેશ પાંડેનો સમાવેશ થાય છે, જેથી આ દિગ્ગજોની સીટ પર સૌની નજર રહેશે.
આ ઉપરાંત, ઉત્તર પ્રદેશમાં સાકેત મિશ્રા હાલમાં વિધાન પરિષદના સભ્ય છે અને શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને વડા પ્રધાન મોદીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર છે. કૃપા શંકર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. આંબેડકર નગરના વર્તમાન સાંસદ રિતેશ પાંડે તાજેતરમાં જ બહુજન સમાજ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.
પીલીભીત અને સુલતાનપુર માટે ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. હાલમાં વરુણ ગાંધી પીલીભીત સીટથી ભાજપના સાંસદ છે અને તેમની માતા મેનકા ગાંધી સુલતાનપુરથી ભાજપના સાંસદ છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ લોકસભા ચૂંટણી માટે 51 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કર્યા પછી ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણી સ્પર્ધાનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A.)ના મુખ્ય પક્ષોમાં સામેલ સમાજવાદી પાર્ટી (એસપી)એ અત્યાર સુધીમાં 31 બેઠક પર તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સપાએ પણ વારાણસી સીટ પર પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો પરંતુ બાદમાં ‘I.N.D.I.A.’ ગઠબંધન હેઠળ સીટની વહેંચણીને કારણે તે સીટ કોંગ્રેસને આપવામાં આવી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વર્તમાન રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને અનુક્રમે અમેઠી અને રાયબરેલી બેઠકો પરથી ઉમેદવાર બનાવવાની તેના કાર્યકરોની માંગ વચ્ચે કોંગ્રેસે હજુ સુધી તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.
એક સમજૂતી અનુસાર, સપા ઉત્તર પ્રદેશની 80માંથી 63 બેઠક પર તેમના ઉમેદવારો ઉભા કરશે જ્યારે કોંગ્રેસ બાકીની 17 બેઠક પર તેના ઉમેદવારો ઉભા કરશે. કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી હાલમાં રાયબરેલીથી સાંસદ છે, જ્યારે રાહુલ ગાંધી 2019ની ચૂંટણીમાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાની સામે તેમની અમેઠી બેઠક હારી ગયા હતા.