સવારમાં કરી આવો મતદાન, બપોરે ગરમીનો પારો એટલો ઉપર ચડશે કે…
ગાંધીનગર : આજે મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. મતદાનના માહોલની વચ્ચે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ ઊંચું રહેવાનું છે અને હિટવેવની (Heatwave Alert) આગાહી કરાઇ છે. આ દિવસે જ હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે આકરી ગરમીનો સામનો કરવો પડશે. તેથી બપોરના બળબળતા તાપમાં શેકાવુ ન હોય તો, વહેલી સવારે મતદાન કરી આવજો. નહિ તો બપોર બાદ આકરો તાપ સહન કરવો પડશે.
રાજ્યના વિવિધ ભાગોમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 41.2 અને સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધાઈ હતી. આ વચ્ચે આજે હવામાન વિભાગે અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 40.8 ડિગ્રી જ્યારે કંડલા એરપોર્ટ ઉપર 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે પણ તાપમાનનો પારો વધવાની શક્યતા છે. અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી સેકટર-9ના મતદાન મથક પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના તમામ પરિવારોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, વધારે હીટવેવ હોય તો પૂરી કાળજી સાથે આવીને વોટ કરજો. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. તમામ લોકો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે, મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડવાની છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતા મતદાન સમયે અમદાવાદમાં 7 મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે.
હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 4 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે. 7 મે ના રોજ દીવ કોસ્ટલ એરિયામાં પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. જોકે, હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી છે.