નવી દિલ્હીઃ લોકસભા મહાસંગ્રામ માટે સત્તાધારી પાર્ટી ભાજપ (ભારતીય જનતા પક્ષ)એ પહેલી 195 ઉમેદવારની યાદી જારી કર્યા પછી બીજી યાદીની રાહ જોવામાં આવે છે. બીજી બાજુ સૌથી મોટી વિરોધી પાર્ટી કોંગ્રેસે પહેલી યાદી બહાર પાડી છે, જેમાં વાયનાડની બેઠક પરથી રાહુલ ગાંધીના નામની મહોર મારી છે.
આગામી સાત દિવસમાં 2024માં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકાય છે. સાત તબક્કામાં ચૂંટણી યોજી શકાય છે, પરંતુ એના પહેલા રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટીએ ચૂંટણીની તૈયારીમાં સક્રિય બની ગઈ છે. કોંગ્રેસે આજે પહેલી યાદી બહાર પાડી છે, જેમાં રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પહેલી યાદીની જાહેરાત કરી હતી, જેમાં વાયનાડથી રાહુલ ગાંધી, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલનો સમાવેશ થાય છે. પહેલી યાદીમાં 39 નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં થિરુવનંતપુરમથી શશિ થરુરને ટિકિટ આપવામાં આવી છે. મેઘાયલથી વિન્સેટ પાલા, ત્રિપુરા વેસ્ટથી આશીષ સાહાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. 39 ઉમેદવારની યાદીમાં પંદર જનરલ તો 24 ઉમેદવાર અન્ય પછાત વર્ગ, એસસી-એસટી કેટેગરીના છે.
આ યાદીમાં 12 ઉમેદવાર એવા છે, જેમની ઉંમર પચાસ વર્ષથી ઓછી છે, જ્યારે પચાસથી 60 વર્ષના આઠ ઉમેદવાર છે. યાદી જારી કરીને પાર્ટીના મહાસચિવ વેણુગોપાલે કહ્યું હતું કે કોંગ્રેસ હવે પૂરી રીતે ઈલેક્શનના મોડમાં છે. હાલમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પણ મહત્ત્વના તબક્કામાં છે. મણિપુરથી શરુ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં છે, જ્યારે મુંબઈમાં સંપન્ન થશે. કોંગ્રેસ સત્તામાં આવશે તો 30 લાખ લોકોને નોકરી આપશે, એમ તેમણે જણાવ્યું હતું