Stock Market Election Result: 15મિનિટમાં 9 લાખ કરોડનું ધોવાણ, Sensex 2800 સુધીનો ધબડકો
નિલેશ વાધેલા
મુંબઇ: સોમવારે વિક્રમી તેજી સાથે નવી ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરનાર શેરબજારમાં લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાતના દિવસે ખુલતા સત્રમાં જ જોરદાર કડાકો બોલી ગયો હતો. આજે મંગળવારે સેન્સેકસ નીચા ગેપ સાથે ખુલ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેમાં ૨૮૦૦ પોઈન્ટનો તોતિંગ કડાકો બોલાઈ ગયો હતો. આને પરિણામે ૧૫ જ મિનિટમાં બીએસઈ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં નવ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું.
અત્યારે સેન્સેકસ 1700 પોઇન્ટ નીચી સપાટીએ અથડાઈ રહ્યો છે અને નિફ્ટી 22,700ની આસપાસ છે. સેન્સેકસમાં ૫૦૦ પોઇન્ટથી વધુનો કડાકો માત્ર રિલાયન્સ અને એચડીએફસીના ધોવાણથી થયો છે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 672 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 77122 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય નિફ્ટી 450.10 પોઈન્ટ અથવા 1.94 ટકાના વધારા સાથે 23714 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
પ્રી-ઓપનિંગ પહેલાં, GIFT નિફ્ટી, જે બજારની શરૂઆત સૂચવે છે, તે 38.60 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 23447 પર હતો નોંધવુ રહ્યું કે, સોમવારે શેરબજાર બંધ થયું ત્યારે BSE સેન્સેક્સ 2500 પોઈન્ટના ઉછાળા સાથે76,469 પોઈન્ટ અને નિફ્ટી 733 પોઈન્ટના ઉછાળા સાથે 23,263 પોઈન્ટ પર બંધ થયો હતો.
2009 પછી એક જ સત્રમાં બજારમાં આ સૌથી મોટો ઉછાળો છે. ત્રીજી જૂને સેન્સેક્સે 76,738ની નવી રેકોર્ડ હાઈ બનાવી અને નિફ્ટીએ 23,338ની નવી રેકોર્ડ હાઈ બનાવી હતી. જો કે આજે છેક સુધી કશું ધારી કે કહી શકાય એવો માહોલ ના હોવાનું નિષ્ણાતો જણાવે છે.
ત્રીજી જૂને BSE માર્કેટ કેપમાં રૂ. 14 લાખ કરોડનો વધારો થયો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 426.24 લાખ કરોડ પર બંધ થયું હતું, એટલે કે એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 14 લાખ કરોડથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારના માર્કેટ કેપનું આ સર્વોચ્ચ સ્તર છે.