Lok Sabha Elections 2024: પ્રથમ તબક્કાના મતદાન માટે નોટીફિકેશન જાહેર, આ તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરાશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે ગત શનિવારે લોકસભા ચૂંટણી 2024 માટેના કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી, જાહેરાત મુજબ આગામી લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. રાજકીય પક્ષો બાકી બચેલી બેઠકો પર ઉમેદવારો શોધવામાં વ્યસ્ત છે, એવામ આજે ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે પહેલા તબક્કાની 102 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન યોજાશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, પ્રથમ તબક્કાના માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. 28મી માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે.
બિહારમાં લોકસભાની 40માંથી 4 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં બિહારમાં જે લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે, એ બેઠકો પર ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 28 માર્ચ રાખવામાં આવી છે. હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર માટે ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 30 માર્ચ છે. જ્યારે બિહારમાં ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
19 એપ્રિલે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનમાં તામિલનાડુની 29, ઉત્તર પ્રદેશની 8, રાજસ્થાનની 12, ઉત્તરાખંડની 5, અરુણાચલ પ્રદેશની 2, આસામમની 5, બિહારની 4, છત્તીસગઢની 1 બેઠક, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્રની 6, મણિપુરની 5, મેઘાલયની 2, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, સિક્કિમની 1, ત્રિપુરાની 1, પશ્ચિમ બંગાળની 3, આંદામાન અને નિકોબારની 1, જમ્મુ અને કાશ્મીરની 1, લક્ષદ્વીપની 1 અને પુડુચેરીની 1 બેઠક પર મતદાન થશે.
Also Read
:https://bombaysamachar.com/loksabha-election-2024/loksabha-2024-ecs-big-action-ahead-of-lok-sabha-polls/
ચૂંટણી પંચે જાહેર કરેલા શેડ્યુલ મુજબ દેશની 543 લોકસભા બેઠકો માટે 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થશે. 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો, 26 એપ્રિલે બીજા તબક્કામાં 89 બેઠકો, 7 મેના રોજ ત્રીજા તબક્કામાં 94 બેઠકો, 13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો, 20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 25 મેના 57 બેઠકો અને સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને 57 બેઠકો પર મતદાન થશે.