શ્રીનગર: બંધારણની કલમ 370 નાબૂદ કરવાના વિરોધમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સોમવારે આવશે. એ પહેલા ગઈ કાલે શુક્રવારે વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓએ કાશ્મીર ખીણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. મીટિંગમાં, તમામ દસ જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરો અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકોને સોશિયલ મીડિયાના દુરુપયોગ રોકવા અથવા તેમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે સુચના આપવામાં આવી છે.
સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) વિજય કુમારે કાશ્મીરમાં પ્રથમ વખત કાશ્મીર વિભાગના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી હતી.
મીટિંગ દરમિયાન, તમામ અધિકારીઓએ વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને કોર્ટના નિર્ણયના પગલે બની શકે કોઈપણ ઘટનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં તમામ જિલ્લા વડાઓને ગ્રાઉન્ડ પર નજર રાખવા અને શાંતિ ભંગ કરનારાઓ સામે નિવારક અને શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
કલમ 370 હટાવવા સંબંધિત મામલો 11 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટની ઓનલાઈન વર્ક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ પોતાનો ચુકાદો આપશે.