શાહી સ્નાનમાં એપલના પૂર્વ સીઇઓના પત્ની ગેરહાજર, જાણો કારણ…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે આયોજિત મહાકુંભ મેળામાં દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે. એપલના ભૂતપૂર્વ સીઇઓ દિવંગત સ્ટીવ જૉબ્સના પત્ની લોરેન પોવેલ પણ ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા આ મહાકુંભમાં આવ્યા છે. તેમણે કમલા નામ ધારણ કર્યું છે. તેઓ પવિત્ર સંગમમાં સ્નાન પણ કરવાના હતા.
આ પણ વાંચો : મહાકુંભમાં વિદેશીઓને પડ્યો ‘જલસો’: કહ્યું આઈ લવ ઈન્ડિયા
આજે મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ છે અને આજના દિવસે શાહી સ્નાનનું ઘણું મહત્વ છે. આ દિવસે દરેક જણ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા ઇચ્છે છે. લોરેન પોવેલ સ્વામી કૈલાશાનંદ ગીરીના કેમ્પમાં રોકાયા છે. સ્વામી કૈલાશાનંદ ગિરી નિરંજની અખાડાના મહામંડલેશ્વર છે. તેમણે આજે માહિતી આપતા જણાવ્યું હતું કે લોરેન પોવેલને થોડી સમસ્યા આવી હોવાથી તેમણે આજના શાહી સ્નાનમાં ત્રિવેણી સંગમ પર ડુબકી લગાવી નહોતી.
સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા સમા મહાકુંભમાં ભાગ તો લીધો છે, પરંતુ તેમને આટલા બધા લોકો વચ્ચે રહેવાનો અનુભવ નથી તેથી તેમને થોડી એલર્જી થઈ ગઈ છે. લોરેન પોવેલ જોબ્સ તેમના 40 સભ્યોની ટીમ સાથે પ્રયાગરાજ આવ્યા છે
સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજે જણાવ્યું હતું કે લોરેન ક્યારે આટલી બધી ભીડભાડ વાળી જગ્યાએ ગઈ નથી. તે ખૂબ જ સીધી, સાદી, સરળ અને ભોળીભાળી છે. તેણે ક્યારેય આપણે પરંપરા જોઈ નથી. તે આપણી પરંપરાનું ગૌરવ કરે છે અને આપણી પરંપરાઓ સાથે જોડાવા પણ માંગે છે, પરંતુ હાલમાં તેમને હાથમાં કેટલીક એલર્જી થઈ ગઈ છે, તેથી તેણે શાહી સ્નાન કર્યું નથી. તે એકલી જઇને સ્નાન કરશે. તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. તે અમારા કેમ્પમાં રોકાઇ છે અને પૂજા તેમ જ હવનમાં પણ ભાગ લઇ રહી છે.
નોંધનીય છે કે લોરેન પોવેલ જોબ્સ રવિવારે ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાતે ગયા હતા, પરંતુ તેમને મંદિરમાં શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ વિશે પણ ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ આ પ્રકરણ વિશે સ્પષ્ટતા કરતા સ્વામી કૈલાશાનંદ ગિરી મહારાજે જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિરમાં આપણી ભારતીય પરંપરા મુજબ ફક્ત હિન્દુ લોકો જ શિવલિંગને સ્પર્શ કરી શકે છે, અન્ય કોઈ વ્યક્તિ શિવલિંગને સ્પર્શ કરી શકતું નથી.
આ પણ વાંચો : Mahakumbh 2025: પવિત્ર મહાકુંભ મેળાનો દબદબાભેર પ્રારંભ, 1. 50 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
પરંપરાનું પાલન કરવું જરૂરી છે. તેથી જ તેમને બહારથી જ શિવલિંગના દર્શન કરવા દેવામાં આવ્યા હતા. તેઓ કુંભમાં પણ રહેવાના છે અને પવિત્ર ત્રિવેણી સંગમમાં પણ યોગ્ય સમયે ડૂબકી લગાવશે.