ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો વધુ એક આતંકવાદી ઠાર, 2015ના ઉધમપુર હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા(LeT)ના વધુ એક આતંકવાદી હત્યા કરવામાં આવી છે. 2015માં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ના કાફલા પર હુમલાના માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી હંઝલા અદનાનને પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી, ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ગઈ કાલે 5 ડિસેમ્બરના રોજ તે મોતને ભેટ્યો હતો.

એક અહેવાલ મુજબ 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ એલઈટીના વડા હાફિઝ સઈદની નજીકના ગણાતા હંઝલા અદનાનને 2 અને 3 ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. તેને ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, તેના શરીરમાં ચાર ગોળીઓ મળી આવી હતી. ગઈ કાલે 5 ડિસેમ્બરે તેનું મોત થયું હતું. સુત્રોના જણાવ્યા મુજબ તાજેતરમા જ આતંકવાદી હંઝલા અદનાને તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી ખસેડ્યું હતું.


હંઝલા અદનાન વર્ષ 2015માં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં BSFના કાફલા પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, જેમાં 2 BSF જવાનો શહીદ થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) બીએસએફના કાફલા પર થયેલા હુમલાની તપાસ કરી રહી છે અને ચાર્જશીટ દાખલ કરી હતી.


સૂત્રોના જણાવ્યા અનુસાર હંઝલા અદનાનને નવા ભરતી થયેલા આતંકવાદીઓને ટ્રેનીંગ આપવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં LeTના કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. ભારતમાં ઘૂસણખોરી કરવા અને આતંકવાદી હુમલાઓ કરવા માટે તેને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા, ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) અને પાકિસ્તાની સેનાનું સમર્થન મળતું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેના ભત્રીજા લખબીર સિંહ રોડેનું પાકિસ્તાનમાં જ ગત 2જી ડિસેમ્બરના રોજ મોત થયું હતું. સુત્રોના જણાવ્યા મુજબ લખબીર સિંહ રોડેને હાર્ટ એટેક આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button