ઉતરાખંડઃ ઉત્તરકાશીમાં છેલ્લાં 17-17 દિવસથી ફસાયેલા 41 મજૂરો અને એમના પરિવારજનો માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર અનુસાર આખરે ઓપરેશન લગભગ પૂરું થઈ ગયું છે અને ટનલમાં બે એમ્બ્યુલન્સ, ડોક્ટરો ટીમ, એનડીઆરએફની ટીમ દાખલ થઈ ગઈ છે. ટનલમાં મજૂરોના ગરમ કપડાં પણ મોકલવામાં આવ્યા છે. બહાર આવતા જ મજૂરોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવશે અને એમની સાથે તેમના પરિવારના લોકો પણ હોસ્પિટલ મોકલવામાં આવશે. હવે સિલક્યારા ટનલની આસપાસમાં હિલચાલ ખૂબ જ તેજ થઈ ગઈ છે.
ટનલની બહાર મજૂરોના પરિવારજનો આતુરતાપૂર્વક તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. મજૂરો માટે બહાર એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મજૂરોના પરિવારજનોને તેમના કપડાં અને બેગ તૈયાર રાખવાનું જણાવવામાં આવ્યું છે. મજૂરો જેવા બહાર આવશે એટલે તરત જ તેમના ફેસ કવર કરીને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે, એવી માહિતી સાધનો દ્વારા મળી રહી છે.
રેસ્ક્યુ ઓપરેશનમાં આવી રહેલાં અનેક અવરોધોને કારણે મજૂરોને બહાર લાવવામાં વિલંબ થયો હતો. ક્યારેક વરસાદ તો ક્યારેક મશીને મજૂરોને 17-17 દિવસ સુધી ટનલમાં ફસાઈ રહેવા માટે મજબૂર કરી દીધા હતા.
મજૂરોને સુરક્ષિત બહાર લાવીને તેમને હોસ્પિટલાઈઝ્ડ કરીને તેમની મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને તેમના બીપી, હાર્ટબીટ, શુગર વગેરે તમામ બાબતોની ટેસ્ટ કરવામાં આવશે. સતત 17-17 દિવસ સુધી ટનલમાં ફસાયેલા હોવાને કારણે મજૂરોને હાયપર ટેન્શન જેવી અન્ય સમસ્યાઓ થઈ શકે છે, તેમને એન્ઝાયટીની વગેરેની સમસ્યા પણ થઈ શકે છે આ બધી બાબતોને ધ્યાનમાં લઈને મેડિકલ ટીમને પણ તહેનાત રાખવામાં આવી છે. ટનલની બહાર એમ્બ્યુલન્સનો કાફલો તૈયાર રાખવામાં આવ્યો છે.
આટલા લાંબા સમય સુધી અંધારામાં રહ્યા બાદ ટનલમાંથી બહાર આવતા જ મજૂરોની આંખો પ્રકાશ નહીં સહન કરી શકે અને એને કારણે તેમની આંખો પર પણ અસર જોવા મળી શકે છે આ જ કારણસર ટનલમાંથી બહાર આવતા તેમના મોઢા ઢાંકી દેવામાં આવશે અને બાદમાં ધીરે ધીરે તેમને પ્રકાશમાં લાવવામાં આવશે, એવું પણ રેસ્ક્યુ ઓપરેશન સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું.
Taboola Feed