Krishna Janmabhoomi Case: SCએ મુસ્લિમ પક્ષની માંગ ફગાવી, કમિશનરના સર્વે પર વચગાળાનો સ્ટે લંબાવ્યો | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

Krishna Janmabhoomi Case: SCએ મુસ્લિમ પક્ષની માંગ ફગાવી, કમિશનરના સર્વે પર વચગાળાનો સ્ટે લંબાવ્યો

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષે દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક સાથે તમામ કેસોની ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહ મસ્જિદમાં કમિશનરના સર્વે પરનો વચગાળાનો સ્ટે લંબાવ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં નીચલી કોર્ટમાં પેન્ડિંગ 15 કેસોને જાતે જ સુનાવણી માટે ટ્રાન્સફર કરી દીધા હતા. હાઈકોર્ટના આ નિર્ણયને મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મુસ્લિમ પક્ષને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની માંગને ફગાવી દીધી અને કહ્યું કે હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે.

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ સંબંધિત અનેક અરજીઓ પર એક સાથે સુનાવણી થઈ રહી છે. હિંદુ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે કટરા કેશવ દેવ મંદિરની 13.37 એકર જમીન પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જ્યારે મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ સંભાળવા યોગ્ય નથી. મુસ્લિમ પક્ષે 1968માં થયેલા કરાર અંગે પણ દલીલો રજૂ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેશવ દેવ કટરાની 13.7 એકર જમીન શાહી ઈદગાહ મસ્જિદને આપવામાં આવી છે. આ સાથે મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, લિમિટેશન એક્ટ, વકફ એક્ટ અને સ્પેશિયલ રિલીફ એક્ટ 1991નો ઉલ્લેખ કર્યો છે.

Back to top button