ફિલ્મ જગતના વધુ એક કલાકારનું હોટલ રૂમમાં શંકાસ્પદ મોત, સિનેમા જગતમાં ગમગીન માહોલ

દક્ષિણ ભારતીય સિનેમાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા અને મિમિક્રી કલાકાર કલાભવન નવાસનું શુક્રવારે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી ચાહકો અને સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. નવાસના વર્સેટિલિટી ટેલેન્ટે અને યાદગાર અભિનયથી તેમણે લાખો દિલોમાં સ્થાન બનાવ્યું હતું.
શુક્રવારે સાંજે ચોટ્ટાનિકારા ખાતેની એક હોટેલમાં કલાભવન નવાસ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ એક ફિલ્મના શૂટિંગ માટે આ હોટેલમાં રોકાયા હતા. હોટેલના ચેકઆઉટના સમયે ચેક આઉટ કરવા ન પહોંચતા હોટલ કર્મચારી તેના રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં નવાસ બેભાન હાલતમાં જોવા મળ્યા. હોટેલ સ્ટાફે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પ્રાથમિક માહિતી પ્રમાણે કલાભવન નવાસનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાની શંકા છે, જોકે હજુ સુધી મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તેમના રૂમમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે તપાસ શરૂ કરી છે, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો જાણવા મળશે. નવાસના અચાનક નિધનથી તેમના પરિવાર અને ચાહકોમાં ગમગીની ફેલાઈ ગઈ છે.

કલાભવન નવાસે 1995માં ફિલ્મ ‘ચૈતન્યમ’થી અભિનયની શરૂઆત કરી હતી. તેણે મિમિક્રી કલાકાર, પ્લેબેક સિંગર અને અભિનેતા તરીકે પોતાની અનોખી ઓળખ બનાવી. ‘જૂનિયર મેન્ડ્રેક’, ‘ચંદામામા’, ‘મિમિક્સ એક્શન 500’, ‘વન મેન શો’ અને ‘મટ્ટુપેટી મચાન’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. તેની છેલ્લી ફિલ્મ ‘ડિટેક્ટિવ ઉજ્જ્વલન’ હતી. ઉપરાંત, તેણે અનેક ટીવી શોમાં પણ પોતાની કામ કર્યું છે.

નવાસના નિધનના સમાચારથી સોશિયલ મીડિયા પર ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનએ પણ નવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેની કલાત્મક યોગદાનને બિરદાવ્યું છે. મલયાલમ સિનેમા માટે આ એક મોટી ખોટ છે, જેની ભરપાઈ થવી મુશ્કેલ છે.
આ પણ વાંચો…લોર્ડ મેઘનાથ દેસાઈનું લંડનમાં 85 વર્ષની વયે નિધન, જાણો શું હતું ગુજરાત કનેકશન