Japan earthquake: જાપાનમાં ભૂકંપના 155 ઝટકા બાદ ગંભીર સુનામીનો ખતરો
ટોક્યોઃ જાપાનમાં નવા વર્ષની શરૂઆત જોરદાર ભૂકંપ સાથે થઇ છે, જેમાં 18 કલાકમાં 155 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં 7.6ની તીવ્રતાના આંચકા અને 6થી વધુની તીવ્રતાના આંચકાનો સમાવેશ થાય છે. મોટાભાગના ભૂકંપની તીવ્રતા 3 થી વધુ હતી. મોટી વાત એ છે કે માત્ર બે કલાકમાં જ 40થી વધુ આફ્ટરશોક્સ આવ્યા હતા. 7.6ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આફ્ટરશોક્સ બાદ જાપાનમાં ભારે વિનાશનો ભય સેવાઇ રહ્યો છે.
દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે. લગભગ એક લાખ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને તેમના ઘરે પાછા ન ફરવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે જીવલેણ મોજા હજુ પણ અથડાઈ શકે છે.
સત્તાવાળાઓએ ધરતીકંપ પછી તરત જ સુનામીની ચેતવણીઓ જારી કરી હતી. એ સમયે દરિયામાં 5-ફીટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. અને હજારો ઘરોની વીજળી ગુલ થઇ ગઇ હતી. ભૂકંપને કારણે અનેક માર્ગો અને એરપોર્ટના રન-વે પર પણ તિરાડો પડી ગઇ છે, જેને લીધે તબીબી અને સૈન્ય કર્મચારીઓને બચાવ સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા વાજિમા શહેરમાં આઠ મૃત્યુ નોંધાયા છે.
જાપાનની હવામાન કચેરીએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં દેશમાં વધુ શક્તિશાળી આંચકા આવી શકે છે.
સાવચેતીના પગલા રૂપે જાપાનમાં ચાર એક્સપ્રેસવે, બે હાઈ-સ્પીડ રેલ સેવાઓ, 34 લોકલ ટ્રેન લાઈનો અને 16 ફેરી લાઈનો અટકાવી દેવામાં આવી છે, જ્યારે દેશમાં ભૂકંપના આંચકાથી 38 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
જાપાન વારંવાર ધરતીકંપની સંભાવના ધરાવે છે તેથી અહીંની ઇમારતો મજબૂત આંચકા સહન કરી શકે તેવી બનાવવા માટેના કડક નિયમો પણ છે અને અહીં નિયમિતપણે મોક ડ્રીલ કરવામાં આવે છે. સોમવારના પહેલાનો તાજેતરનો ભૂકંપ 16 માર્ચ, 2022 ના રોજ ફુકુશિમામાં 7.3 ની તીવ્રતાનો આવ્યો હતો, જેમાં બે લોકોના મોત અને 94 ઘાયલ થયા હતા. દેશના ઈતિહાસમાં ભૂકંપની સૌથી ખરાબ ઘટના 11 માર્ચ, 2011ના રોજ બની હતી જ્યારે ઉત્તરપૂર્વ જાપાનમાં 9.0 તીવ્રતા અને સુનામીના કારણે લગભગ 20,000 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા. આ ભૂકંપ ચેર્નોબિલ પછીની વિશ્વની સૌથી ખરાબ પરમાણુ આફતોમાંની એકનું કારણ બન્યું હતું.