ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીર: આતંકવાદી હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ, ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ક્રાલપોરા ખાતેના તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ડારને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું. ઝોનલ પોલીસના અધિકારીઓએ શહીદને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નોંધનીય છે કે કાશ્મીર ખીણમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકવાદી હુમલો છે. રવિવારે શ્રીનગરમાં એક આતંકવાદીએ પોલીસ અધિકારી પર ગોળી મારીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ત્યાર બાદ સોમવારે પુલવામા જિલ્લામાં ઉત્તર પ્રદેશના મુકેશ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુકેશ મજૂરી કામ કરતો હતો. મુકેશ પુલવામાના તુચી નૌપોરામાં શાકભાજી ખરીદવા બજારમાં ગયો હતો ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. મુકેશ વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને ગોળી વાગ્યા બાદ તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આતંકવાદીઓ એક પછી એક હત્યાને અંજામ આપી રહ્યા છે. આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ખતરો હજુ પણ છે અને આપણે સતર્ક રહેવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button