Nagpur, Jaipur, Kanpur, Goa સહિત દેશના અનેક Airport ઉડાવી દેશું…
નાગપુર એરપોર્ટ ઓથોરિટીને મળ્યો ધમકી આપતો ઈમેલ, એરપોર્ટની સુરક્ષા વધારી દેવાઈ
નવી દિલ્હીઃ જયપુર, કાનપુર, ગોવા સહિત દેશના અનેક મહત્ત્વના એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ થશે, એવી ધમકી મળતાં તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે એટલે કે સોમવારે આ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ઈમેલ બાદ તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
નાગપુર એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યો મેલ સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો અને તે એરપોર્ટના ડિરેક્ટર આબિદ રૂઈની આઈડી પર આવ્યો હતો. ઈમેલ મળતાં જ એરપોર્ટના હાયર સિક્યોરિટી ઓફિસરને તેની જાણ કરવામાં આવી હતી અને આ ઈમેલ અંગે નાગપુરના સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઈમેલ મળતાં જ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી શંકા અનુસાર આ એક બનાવટી મેલ છે અને ઈમેલ મોકલનારની શોધ કરાઈ રહી છે. પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી શક્યતા અનુસાર લોકોમાં ગભરાટ ફેલાવવા અને અફડાતફડી મચાવવાના હેતુથી આ મેલ મોકલવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઈમેલ મોકલનારની ભાળ મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. બે દિવસ પહેલાં પણ કોલકતા સહિત દેશના અનેક એરપોર્ટને આ જ રીતે ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો અને બાદમાં આ ઈમેલ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.