
જયપુર: છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને અમદાવાદની સંખ્યાબંધ શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલ(Bomb Threat Email) મળતા તંત્ર દોડતું થઇ ગયું હતું, ત્યાર બાદ હવે રાજસ્થાનની રાજધાની જયપુર(Jaipur)ની અનેક શાળાઓને બોમ્બની ધમકી મળી છે. અહેવાલ મુજબ લગભગ 8 કે તેથી વધુ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઈમેલ મહેશ્વરી સ્કૂલ, વિદ્યા આશ્રમ, નિવારુ રોડ સેન્ટ ટેરેસા અને અન્ય સ્કૂલોમાં ઈમેલ મળ્યા છે. માહિતી બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, એટીએસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કેમ્પસને ખાલી કરાવ્યા છે.
જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે આ ધમકીભર્યા ઈમેલ કોણે મોકલ્યાએ શોધવા માટે ટીમ તપાસ કરી રહી છે.
રવિવારે દિલ્હીની 20 હોસ્પિટલો, IGI એરપોર્ટ અને દિલ્હીમાં ઉત્તર રેલવેની CPRO ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી.
અગાઉ રશિયા સ્થિત મેઇલિંગ સર્વિસ તરફથી દિલ્હીની 100થી વધુ શાળાઓને ધમકીઓ મળી હતી, જયારે અમદવાદની શાળાઓને મળેલી ધમકીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. જોકે તપાસ બાદ આ બધી ધમકીઓમાં કોઈ હકીકત જણાઈ ન હતી.
પોલીસ અને તપાસ એજન્સીઓને આશંકા છે કે કોઈ આયોજનબદ્ધ રીતે આ ઈમેઈલ મોકલી રહ્યા છે, જેની પાછળનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.