Israelએ લેબનોનમાં 1100 જગ્યાઓ પર હુમલો કર્યો, 21 બાળકો,39 મહિલાઓ સહિત 492ના મોત

બૈરુત: એક તરફ ઇઝરાયલ પેલેસ્ટાઈન પર સતત હુમલા કરી રહ્યું છે, જેમાં હજારો નાગરીકોના મોત થયા છે. એવામાં યુદ્ધનો વધુ એક મોરચો ખુલી ગયો છે, ઇઝરાયલે લેબનોન પર રોકેટ મારો (Israel attacked on Lebnon)કરી રહ્યું છે. લેબનોનના દક્ષિણ ભાગમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકો માર્યા ગયા છે, જ્યારે 1,645થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં 21 બાળકો અને 39 મહિલાઓ પણ સામેલ છે.
ઇઝરાયલની સેનાએ લેબનોનમાં લગભગ 1100 જગ્યાઓ પર હુમલો કર્યો છે. આ ઉપરાંત પેજર અને વોકીટોકીમાં થયેલા બ્લાસ્ટનું ષડ્યંત્ર પણ ઇઝરાયલે રચ્યું હોવાના દાવા છે. લેબનોન પણ બદલો લેવા તૈયારી કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલ સરકારે 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન એટલે કે ઈમરજન્સી જાહેર કરી છે.
ઇઝરાયેલ આર્મી (IDF) સોમવાર સવારથી લેબનોનના બેકા વિસ્તારમાં સતત હુમલો કરી રહી છે. હુમલાનો વ્યાપ વધારવાની વાત કરતા ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે બેકા ખીણને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.

દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ જાહેર કરીને લેબનોનમાં રહેતા લોકોને શક્ય તેટલી વહેલી તકે વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આ ચેતવણીને ગંભીરતાથી લો. અમારું ઓપરેશન પૂરું થયા પછી, લેબનીઝ લોકો સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે.

ઈઝરાયલના હુમલાના ડરથી 10 હજાર લોકો દક્ષિણ ભાગથી ઉત્તર તરફ પલાયન કરી ગયા છે. જેના કારણે બંદર શહેર સિડોનની બહાર મુખ્ય હાઇવે પર કારની લાંબી કતારો લાગી ગઈ છે. આ સિવાય સરકારે દેશના મોટાભાગના ભાગોમાં શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 2006માં ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેના યુદ્ધ બાદ આ સૌથી મોટું સ્થળાંતર માનવામાં આવે છે.