ઇઝરાયલ-હમાસ યુદ્ધ: ભારતે યુએનમાં પેલેસ્ટિનિયનોને સમર્થન આપ્યું
હાલના ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે ભારતે પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ખુલીને પ્રતિક્રિયા આપી છે. યુએનના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઈન સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મોટા પાયા પર નાગરિકોના મોત અસ્વીકાર્ય છે.
રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઈન વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પેલેસ્ટાઈનને “રાજ્યતા, શાંતિ અને સમૃદ્ધિ” માટે ભારતના સતત સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આજે આપણે અહીં એવા સમયે ભેગા થયા છીએ જ્યારે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે, મધ્ય પૂર્વમાં સુરક્ષાની સ્થિતિ સતત વણસી રહી છે. આ વિસ્તારમાં મોટા પાયે નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. તેમાંથી મહિલાઓ અને બાળકોના જીવનું સૌથી વધુ નુકસાન થયું છે. આ એક ખતરનાક માનવતાવાદી કટોકટી છે. અમે નાગરિકોના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ.”
રૂચિરા કંબોજે પેલેસ્ટિનિયન નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, અમે અમારી તરફથી 70 ટન માનવતાવાદી સામગ્રી મોકલી છે, જેમાં 16.5 ટન દવાઓ અને તબીબી પુરવઠો પણ સામેલ છે.
તેમણે કહ્યું કે નાગરિકોને બંધક બનાવવું એ ચિંતાજનક છે અને તેનું કોઈ સમર્થન નથી. આ સિવાય તેમણે બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અંગે ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ રાખે છે અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની હિમાયત કરે છે.
હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, હમાસે અત્યાર સુધીમાં 81 બંધકોને મુક્ત કર્યા છે અને ઈઝરાયેલે અત્યાર સુધીમાં 180 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. જોકે ઈઝરાયેલની સેના હજુ પણ ગાઝામાં છે. ગાઝાના લોકોની સ્થિતિ વણસી રહી છે. સમગ્ર વિસ્તારનો મોટાભાગનો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો છે. 7 ઓક્ટોબરના રોજ શરુ થયેલા યુદ્ધમાં ગાઝામાં 15,000 થી વધુ લોકો માર્યા ગયા.