
2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની અકાળે જેલમુક્તિને પડકારતી અરજી પર ગઈકાલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું ગુનેગારોને માફી મેળવવાનો મૂળભૂત અધિકાર છે? શું આવી અરજી બંધારણની કલમ 32 હેઠળ આવે છે?
જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ પૂછ્યું કે શું સુપ્રીમ કોર્ટના એવા કોઈ નિર્ણયો નથી કે જેમાં પીડિતોની અરજી પર દોષિતોની સમય પહેલા મુક્તિ રદ કરવામાં આવી હોય?
વકીલે જવાબ આપ્યો કે “ના, દોષિતોનોને આવો કોઈ મૂળભૂત અધિકાર નથી. પીડિત અને અન્યને પણ કલમ 32 હેઠળ અરજી કરીને સીધા જ સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર નથી કારણ કે તેમના કોઈ મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન થયું નથી. પીડિતો પાસે માફીની પડકારવાના અન્ય કાયદાકીય અધિકારો છે.”
સુનાવણી દરમિયાન જ્યારે દોષિતોના વકીલે દોષિત ઠેરવવાના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા ત્યારે જસ્ટિસ નાગરથનાએ તેમની ઝાટકણી કાઢી અને કહ્યું કે તમે શું સાચું છે અને શું ખોટું કહી શકતા નથી. તમે પાછા દોષિત ઠેરવવાના નિર્ણય પર સવાલ ઉઠાવી શકો નહીં. સાચા અને ખોટા જેવા શબ્દો વાપરશો નહિ.
કોર્ટે કહ્યું કે કોણ કહેશે કે તમને નિયમ મુજબ મુક્તિ મળી? વકીલે કહ્યું કે આનો નિર્ણય હાઈકોર્ટ જ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, પરંતુ અહીં પીડિતા પોતે અમારી પાસે આવી છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી 4 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી હતી