ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Iran-Pakistan: ઈરાને પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી, પાકિસ્તાને ચેતવણી આપી

ગઈ કાલે મંગળવારે ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ એર સ્ટ્રાઈક અંગે પાકિસ્તાને દાવો કર્યો છે કે હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન બાહર પાડીને કહ્યું કે આ અમારા એરસ્પેસનું ઉલ્લંઘન છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હુમલા માટે મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈરાનની અન્ય એક ન્યુઝ ચેનલે જણાવ્યું કે આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનની સંપ્રભુતાનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આના ગંભીર પરિણામો આવી શકે છે. પાકિસ્તાને ઈરાની હુમલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ સિવાય પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈરાનનાં રાજદ્વારીને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે આતંકવાદ એ ક્ષેત્રના તમામ દેશો માટે ખતરો છે, જેના માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. જો કે, આવા હુમલા સારા પાડોશી હોવાનો પુરાવો આપતા નથી. આ કારણે દ્વિપક્ષીય વિશ્વાસ ગંભીર રીતે નબળો પડી શકે છે.

જૈશ અલ-અદલ જૂથે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે માહિતી આપી હતી કે ઈરાને મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. ઈરાને બલૂચિસ્તાનના પહાડોમાં જૈશ અલ-અદલ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો ઓછામાં ઓછા છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં જૈશ અલ-અદલના બે સભ્યોના મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. તેમના પરિવારના સભ્યોની જાનહાનિ થઇ હતી. આ હુમલામાં બે સગીર બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં એક કિશોરી સાથે બે મહિલાઓ ઘાયલ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button