શેફર્ડની છેલ્લી ઓવરની ફટકાબાજી દિલ્હીને ભારે પડી
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સને 29 રનથી હરાવીને આઇપીએલની આ સીઝનમાં સતત ત્રણ હાર બાદ હવે જીતવાનું શરૂ કરી દીધું છે.
રિષભ પંતના સુકાનમાં દિલ્હીની ટીમે 235 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં આઠ વિકેટે 205 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમને વાનખેડેની સાંજ ફળી છે એની સાથે કૅપ્ટન હાર્દિક પંડ્યાને મહાદેવના દર્શન પણ ફળ્યા છે. તેણે ગયા સોમવારે વાનખેડેમાં જ રાજસ્થાન રૉયલ્સ સામેની હાર પછીના પાંચ દિવસના બ્રેક દરમ્યાન પ્રભાસ પાટણ જઈને સોમનાથના મંદિરે મહાદેવજીની પૂજા કરી હતી. તે ઘણી વાર સુધી મંદિરમાં હતો અને તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.
હાર્દિક માટે આ સીઝનમાં પહેલી વાર રવિવારનો દિવસ પોતાની કૅપ્ટન્સીને વખોડતી બૂમાબૂમ વગરનો ગયો હતો. તેણે 33 બૉલમાં બનાવેલા 39 રનથી અને પછી વિજય મેળવીને ટીકાકારોને ચૂપ કરી દીધા હશે.
ALSO READ : હાર્દિક પંડ્યા પહેલા જયજયકારની પ્રાર્થના માટે ક્યાં પહોંચી ગયો?
મુંબઈની ટીમ તળિયાના સ્થાનેથી ઉપર આવી અને છેલ્લેથી ત્રીજા સ્થાન પર આવી ગઈ હતી. દિલ્હીની ટીમ છેક 10મા નંબરે અને સૌથી વધુ પાંચ મૅચ રમીને એક જ વિજય પ્રાપ્ત કરનાર બેન્ગલૂરુની ટીમ નવમા નંબરે છે.
રોમારિયો શેફર્ડ (અણનમ 39 અને એક વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તેની છેલ્લી ઓવરની ફટકાબાજી (4, 6, 6, 6, 4, 6) જ દિલ્હીને છેલ્લે ભારે પડી હતી.
દિલ્હીના 208 રનમાં સાઉથ આફ્રિકન રાઇટ-હૅન્ડ બૅટર ટ્રિસ્ટેન સ્ટબ્સ (71 અણનમ, પચીસ બૉલ, સાત સિક્સર, ત્રણ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે તેની આ ફટકાબાજી પાણીમાં ગઈ હતી. પૃથ્વી શો (66 રન, 40 બૉલ, ત્રણ સિકસર, આઠ ફોર) અને અભિષેક પોરેલ (41 રન, 31 બૉલ, પાંચ ફોર)એ પણ ફટકાબાજી કરી હતી, પરંતુ દિલ્હીની ટીમ મુંબઈના બૅટર્સની બરાબરીમાં નહોતી આવી શકી અને 29 રનથી પરાજય જોવો પડ્યો હતો.
મુંબઈ વતી જેરાલ્ડ કૉએટ્ઝીએ 34 રનમાં ચાર તેમ જ જસપ્રીત બુમરાહે બાવીસ રનમાં બે વિકેટ લીધી હતી. આકાશ મઢવાલ પોતાના ફેવરિટ મેદાન વાનખેડે ખાતે 45 રનમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. મોહમ્મદ નબી અને પીયૂષ ચાવલાને પણ વિકેટ નહોતી મળી, પરંતુ મુંબઈની ઇનિંગ્સમાં છેલ્લે-છેલ્લે જોરદાર ફટકાબાજી કરનાર કૅરિબિયન ઑલરાઉન્ડર રોમારિયો શેફર્ડને એક વિકેટ મળી હતી. એ મહત્ત્વની વિકેટ ડેવિડ વૉર્નરની હતી જે માત્ર 10 રનના પોતાના સ્કોરે મિડ-ઑન પર હાર્દિક પંડ્યાના હાથમાં કૅચઆઉટ થયો હતો.
શેફર્ડની વાત નીકળી છે તો ખાસ ઉલ્લેખ કરવાનો કે તેણે મુંબઈની ઇનિંગ્સમાં (હેન્રિક નોર્કિયાની 20મી ઓવરમાં) ફટકાબાજી કરીને જે 32 રન બનાવ્યા હતા એ છેવટે દિલ્હીને ભારે પડ્યા. શેફર્ડે એ ઓવરમાં 4, 6, 6, 6, 4, 6 ફટકારીને સ્ટેડિયમને ચારેકોરથી ગૂંજતું કરી દીધું હતું અને દિલ્હીની છાવણીમાં સોપો પાડી દીધો હતો.
શેફર્ડે કુલ 10 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ 39 રન બનાવ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સે માત્ર 50 લાખ રૂપિયામાં મેળવ્યો છે. આ સીઝનમાં તેની આ પહેલી જ મૅચ હતી અને એને તેણે યાદગાર બનાવી નાખી. તેની અને 45 રને અણનમ રહેલા ટિમ ડેવિડ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 53 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ડેવિડે એ 42 રન 21 બૉલમાં ચાર સિક્સર અને બે ફોરની મદદથી બનાવ્યા હતા.
કમબૅકમૅન સૂર્યકુમાર યાદવ પોતાના બીજા જ બૉલમાં આઉટ થયો હતો અને તિલક વર્મા માત્ર છ રન બનાવી શક્યો હતો. એ સિવાય મુંબઈના બધા બૅટર્સે નાનું-મોટું યોગદાન આપ્યું હતું. રોહિત શર્મા (49 રન, 27 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને ઇશાન કિશન (42 રન, 23 બૉલ, બે સિક્સર, ચાર ફોર) વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. હાર્દિક અને ટિમ ડેવિડની જોડીએ ભેગા થઈને 60 રન બનાવ્યા હતા.
દિલ્હીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. હાર્દિક પંડ્યાએ પણ ટૉસ વખતે કહ્યું હતું કે ‘હું ટૉસ જીત્યો હોત તો મેં પણ ફીલ્ડિંગ પસંદ કરી હોત.’
દિલ્હીએ ઈજાગ્રસ્ત મિચલ માર્શના સ્થાને ઝ્યે રિચર્ડસનને અને રસિખ દરના સ્થાને ઑલરાઉન્ડર લલિત યાદવને ઇલેવનમાં સમાવ્યો હતો.