ડિજિટલ અરેસ્ટ કરી ઈન્દોરમાં વૃદ્ધ પાસેથી પડાવ્યા 40.70 લાખ; કચ્છ-સુરતના બે યુવકની ધરપકડ

ભુજ: આજકાલ સાયબર ગઠિયાઓ લોકોને ફસાવવા માટે નિતનવા કિમિયાઓ અપનાવતા હોય છે. જેમાં હવે ડિજિટલ અરેસ્ટ કરવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક બનાવ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક 71 વર્ષિય વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને 40.70 લાખ રૂપિયાની ઠગાઈ કરવાના ચકચારી ગુનામાં સાયબર પોલીસે કચ્છ અને સુરતના બે આરોપીઓની ધરપકડ કરી છે.
બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારી બનીને કર્યો ફોન
ડિજિટલ અરેસ્ટનો આ બનાવ ગત 3જી ઓક્ટોબરના રોજ બન્યો હતો જેમાં સાયબર માફિયાઓએ મુંબઈના બાંદરા પોલીસ સ્ટેશનના અધિકારી બનીને વૃધ્ધને ફોન કરી તેમણે 15 ટકા કમિશન મળવાની લાલચમાં ખોટી રીતે બે કરોડથી વધુ રકમના બેન્કમાં નાણાંકીય વ્યવહારો કર્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. ડરી ગયેલા વૃધ્ધને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ બેન્કની નકલી પાસબૂક, સુપ્રીમ કૉર્ટના હુકમની બોગસ નકલ બતાડી બાદમાં ફોન સીબીઆઈ ઑફિસરને ટ્રાન્સફર કર્યો હતો.
RBI વેરીફીકેશનના નામે પૈસા પડાવ્યા
કહેવાતા સીબીઆઈ ઑફિસરે આરબીઆઈ વેરીફિકેશનના બહાને વૃધ્ધને તેના ખાતામાં રહેલાં નાણાં અન્ય ખાતામાં જમા કરાવી દેવા અને એક કલાકમાં પરત મળી જવાની ખાતરી આપી હતી. પરંતુ નાણાં પરત જમા ના થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો….નાંદેડ લોકસભા સીટ પર મોટો અપસેટ, મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસનો વિજય
બે આરોપીની ધરપકડ
ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે જે બેન્ક ખાતાઓમાં નાણાં જમા થયાં હતા તે બેન્ક ખાતાના આધારે કચ્છના અતુલગીરી ગોસ્વામી અને સુરતના હિંમત દેવાણીની ધરપકડ કરી છે. આ આરોપીઓ સાયબર માફિયા ગેંગોને તેમના બેન્ક ખાતાં ભાડે આપતાં હતાં. હિંમત દેવાણી નેપાળી ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.