
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે, તો બીજી તરફ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(ઓઈસીડી)ના એક અહેવાલ મુજબ ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વિકાસ દર પ્રમાણમાં ઉંચો રહેવાની શક્યતા છે. 2023 અને 2024માં પણ ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે. આ સમયગાળા દરમિયાન ભારતમાં રિટેલ ફુગાવો પણ જી-૨૦ દેશો કરતાં ઓછો રહેશે. રિટેલ ફુગાવો રીઝર્વ બેંકની 6 ટકાની સંતોષકારક રેન્જમાં રહેશે.
ઓઈસીડી દ્વારા મંગળવારે જાહેરમાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારતનો વિકાસ દર 2023માં 6.3 ટકા અને 2024માં 6 ટકા રહેવાનો અંદાજ છે. જે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ રહેશે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર વર્ષ 2023 માટે 3 ટકા અને વર્ષ 2024 માટે 2.7 ટકા રહેવાનો અંદાજ છે. જી-20માં સામેલ વિકસિત દેશોની અર્થવ્યવસ્થાના વિકાસ ગતિ 2023માં 1.5 ટકા અને 2024માં 1.2 ટકા રહી શકે છે.
ઓઈસીડીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં આર્થિક તણાવના વધુને વધુ દેખાતા સંકેતો હોવા છતાં, કેન્દ્રીય બેંકોએ જ્યાં સુધી ફુગાવો અંકુશમાં ન આવે ત્યાં સુધી વ્યાજ દરો વર્તમાન સ્તર કરતાં ઊંચા રાખવા જોઈએ. સંસ્થાના મુખ્ય અર્થશાસ્ત્રી, ક્લેર લોમ્બાર્ડેલીએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિને હળવી કરવાની વિચારણા કરતા પહેલા ફુગાવાને પહોંચી વળવા તૈયારી કરવી જોઈએ.
ઓઈસીડી અનુસાર વિશ્વભરમાં ફુગાવો ધીમે ધીમે ઘટી રહ્યો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં 2023માં છૂટક ફુગાવો 5.3 ટકા રહી શકે છે, 2024માં તે ઘટીને 4.8 ટકા થઈ જશે. આ સમયગાળા દરમિયાન, જી-20 દેશોમાં તે અનુક્રમે 6 ટકા અને 4.8 ટકા રહેવાની ધારણા છે. બ્રિટનમાં ફુગાવો આ વર્ષે સૌથી વધુ 7.2 ટકા રહેશે. 2024માં તે ઘટીને 2.9 ટકા થઈ જશે. ચીનમાં તે અનુક્રમે 0.5% અને 1.3% હોવાનો અંદાજ છે.