નવી દિલ્હીઃ પાર્લામેન્ટમાં બજેટ સત્ર (Parliament Budget Session) દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અભિભાષણનો આભાર માનતા વિપક્ષી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. વિપક્ષી પાર્ટીની આકરી ટીકા કરતા કહ્યું હતું કે એક પ્રોડક્ટને લોન્ચ કરવાના ચક્કરમાં દુકાનને તાળા મારવાની નોબત આવી હતી.
લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રીય નાણા બજેટને તાજેતરમાં રજૂ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પૂર્વેના છેલ્લા બજેટ સત્રમાં ભાગ લેતા પીએમ મોદીએ કહ્યું હતું કે વિપક્ષ પાર્ટીએ જે સંકલ્પ લીધો છે તેને હું સમર્થન આપું છું. એનાથી મારો અને દેશનો વિશ્વાસ પણ દૃઢ બની ગયો છે. વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષમાં બેસવાનો સંકલ્પ કર્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના નીચલા સદનને સંબોધતા કહ્યું હતું કે વિપક્ષ આજે જે રીતે મહેનત કરે છે. હું એટલું ચોક્કસ કહીશ કે જનતા જનાર્દન તમને ચોક્કસ આશીર્વાદ આપશે અને જે ઊંચાઈ પર છે, તેનાથી વધુ ઊંચાઈ પર જરુર જશે અને આગામી ચૂંટણીમાં દાયકાઓ સુધી વિપક્ષમાં બેસશે. આગામી ચૂંટણીમાં તમે વિઝિટર ગેલેરીમાં જોવા મળશો, એવી પીએમ મોદીએ વિપક્ષો પર ટીકા કરી હતી.
વિપક્ષ પર નિશાન સાધતી વખતે પીએમ મોદીએ કહ્યુ હતું કે વિપક્ષ ક્યાં સુધી સમાજનું વિભાજન કરતું રહેશે. આ લોકોએ જ દેશને તોડ્યો છે. ચૂંટણીનું વર્ષ છે. થોડી મહેનત કરો. કંઈ નવું લઈને આવ્યા હોત, પરંતુ એ જ જૂની વાતો અને એ જૂનો રાગ. ચાલો હું પણ તમારી પાસેથી શીખું છું.
કોંગ્રેસને એક સારા વિપક્ષ બનવાની તક મળી હતી. દસ વર્ષ પણ ઓછા નહોતા, પરંતુ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે ખૂદ નિષ્ફળ રહ્યા તો વિપક્ષમાં અમુક લોકોને પણ આગળ આવવા દીધા નથી.
પરિવારવાદ પર ટીકા કરતા પીએમ મોદીએ કહ્યુ હતું કે દેશ જેટલો પરિવારવાદનો ભોગ બન્યો છે, પરંતુ તેનાથી દેશની સાથે કોંગ્રેસને પણ નુકસાન ભોગવવું પડ્યું છે. ખડગે અને ગુલામ નબી સહિત બધા લોકો પરિવારવાદનો ભોગ બન્યા છે. વાસ્તવમાં, એક જ પ્રોડક્ટને ફરી ફરી લોન્ચ કરવાની પ્રક્રિયામાં પોતાની જ દુકાનનો તાળા મારવાની નોબત આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.