
દેશની સરહદોની સુરક્ષા માટે ત્રણેય સેના સતત પોતાની તાકાત વધારી રહી છે. આ દરમિયાન આજે ભારતીય નેવીએ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ઇન્ડિયન નેવીએ માહિતી આપી હતી કે મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું છે અને છોડવામાં આવેલી મિસાઈલે પરીક્ષણના તમામ હેતુ પૂર્ણ કર્યા હતા.
બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. બ્રહ્મોસ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઈલની રેન્જ 290 કિમી છે. જે મેક 2.8 (ધ્વનિની ઝડપ કરતાં લગભગ ત્રણ ગણી)ની ઝડપ સાથે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલમાની એક ગણાય છે.
આ પહેલા ભારતીય વાયુસેનાએ પણ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર લોન્ચ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું હતું. વાયુસેનાએ આ ઓક્ટોબર મહિનામાં જ પરીક્ષણ કર્યું હતું. વાયુસેનાએ સુખોઈ-30MKI ફાઈટર એરક્રાફ્ટમાંથી બ્રહ્મોસ એર-લોન્ચ વર્ઝન મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
આ મિસાઈલ ભારત પાસે ઉપલબ્ધ સૌથી અદ્યતન હથિયારોમાંથી એક છે. હાલમાં, બ્રહ્મોસ એર-લોન્ચ વર્ઝનની લાંબા અંતરની આવૃત્તિ વિકસાવવા પર કામ થઇ રહ્યું છે.