નવી દિલ્હી : દેશમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 2014 અને 2019ની સરખામણીમાં ઘણી ઓછી બેઠકો મળી હતી અને પાર્ટી બહુમતીથી દૂર રહી હતી. હવે સમાચાર આવ્યા છે કે મોદી સરકાર ટૂંક સમયમાં સમગ્ર દેશમાં વસ્તી ગણતરી(Census)શરૂ કરી શકે છે. આ સાથે પાર્ટીના ટોચના સૂત્રો તરફથી વન નેશન વન ઈલેક્શનને લઈને એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે.
વન નેશન વન ઈલેક્શનને મુદ્દે અપડેટ
મોદી સરકારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ અને નાગરિકતા સંશોધન કાયદાના અમલ જેવા તેના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ પર આપેલા વચનો પૂરા કર્યા છે. વન નેશન વન ઈલેક્શનનું વચન એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં બીજું મોટું વચન છે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વિધાનસભા અને સંસદીય ચૂંટણીઓ એકસાથે યોજવાની પણ હિમાયત કરી હતી.
આ કાર્યકાળમાં જ મોટો નિર્ણય
મીડિયા અહેવાલ મુજબ એનડીએ સરકાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવા માટે પ્રતિબદ્ધ છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સરકારના આ કાર્યકાળ દરમિયાન જ વન નેશન વન ઇલેક્શન અમલી બનશે. ભાજપને અન્ય રાજકીય પક્ષો પાસેથી પણ સમર્થન મેળવવાની આશા છે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit : પીએમ મોદી ગુજરાતથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે
વસ્તી ગણતરી માટે વહીવટી કામગીરી ચાલુ છે
મીડિયા અહેવાલ મુજબ લાંબા સમયથી બાકી રહેલી દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરવા માટે વહીવટી કાર્ય ચાલી રહ્યું છે. જો કે, વસ્તી ગણતરી પ્રક્રિયામાં જાતિ કોલમનો સમાવેશ કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ, આરજેડી અને એસપી જેવા વિપક્ષી દળો અને એનડીએ ગઠબંધનના કેટલાક સહયોગીઓ પણ જોર જોરથી જાતિ ગણતરી કરાવવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો :PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે ગુજરાતને આપશે રૂપિયા 8000 કરોડના વિકાસ કાર્યોની ભેટ