નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યાની ઘટના (Kolkata rape and Murder case)બાદ દેશભારમાં રોષનો માહોલ છે, આ સાથે દેશમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થઇ રહ્યા છે. એવામાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ અંગે નવો રિપોર્ટ જાહેર થયો છે. આ અહેવાલમાં મહિલાઓ સાથે રેપ/ગેંગરેપ પછી મર્ડર કેસોના નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(NCRB)ના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.
કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ બાબતે રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદાર્શન થયા, પણ એવા સેંકડો મામલાઓ છે જે અંગે ભાગ્યે જ ચર્ચા થાય છે. અહેવાલ મુજબ 2017 થી 2022 ની વચ્ચે રેપ એન્ડ મર્ડરના 1,551 કેસ નોંધાયા હતા. અહેવાલ મુજબ છ વર્ષમાં દેશભરમાં દર અઠવાડિયે બળાત્કાર અને હત્યાના સરેરાશ પાંચ કેસ નોંધાય છે. આ આંકડ નોંધાયેલા કેસો પરથી તારવવામાં આવ્યા છે, સાચા આંકડા આનાથી પણ વધુ હોઈ શકે છે.
આ રાજ્યોમાં સૌથી સ્થિતિ સૌથી ગંભીર:
દેશભરમાં વર્ષ 2018માં સૌથી વધુ 294 બળાત્કાર/સામૂહિક બળાત્કાર બાદ હત્યાના કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં સૌથી ઓછા 219 કેસ નોંધાયા હતા, 2017માં આ સંખ્યા 223 હતી, વર્ષ 2019 માં 283 કેસ નોંધાયા હતા, વર્ષ 2021માં આવા કેસોની સંખ્યા 284 હતી, જ્યારે વર્ષ 2022માં આવા 248 કેસ નોંધાયા હતા. છ વર્ષના રાજ્યવાર ડેટા મુજબ યુપીમાં સૌથી વધુ 280 કેસ નોંધાયા છે. આ પછી મધ્યપ્રદેશ (207), આસામ (205), મહારાષ્ટ્ર (155) અને કર્ણાટક (79)નો નંબર આવે છે.
આ પણ વાંચો :ભૂતપિશાચ ભગાવવાને બહાને ચાર પર બળાત્કાર: ઢોંગીબાબાને 20 વર્ષની કેદ
દર અઠવાડિયે 5 કેસ નોંધાય છે:
નોન-પ્રોફિટ કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિએટીવ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે છ વર્ષમાં કુલ 1,551 કેસ મુજબ ,દર વર્ષે સરેરાશ 258 કેસ નોંધાય છે. 2017-2022 ની વચ્ચે દર અઠવાડિયે બળાત્કાર/સામૂહિક બળાત્કાર સાથે હત્યાના લગભગ પાંચ કેસો (4.9) નોંધાયા હતા. NCRBએ વર્ષ 2017 થી તેના વાર્ષિક ‘ક્રાઈમ ઈન ઈન્ડિયા’ રિપોર્ટમાં બળાત્કાર/સામૂહિક બળાત્કાર બાદ હત્યા’ અંગેના ડેટાને અલગ શ્રેણી તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું હતું.
કોર્ટમાં કેસ 132% વધ્યા:
કોર્ટમાં ચાલતા આવા મામલાઓમાં ચુકાદાની વાત કરીએ તો, જેમાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે એવા 308 કેસોમાંથી 65% કેસો (200)માં આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2017માં દોષિત ઠરવાનો દર સૌથી ઓછો હતો (57.89%), જે 2021 માં સૌથી વધુ (75%) અને 2022 માં 69% હતો.
NCRB ડેટા દર્શાવે છે કે અભ્યાસના સમયગાળા દરમિયાન ટ્રાયલ કોર્ટ સમક્ષ બળાત્કાર/સામૂહિક બળાત્કાર સહિતના હત્યાના કેસોની સંખ્યામાં વાર્ષિક ધોરણે વધારો થયો છે. કેસોની કુલ સંખ્યા 2017માં સૌથી ઓછી(574 કેસ) હતી. આ 2022 સુધીમાં વધીને 1,333 થઇ હતી, જે 132% નો વધારો દર્શાવે છે.