
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની બીજી વનડે મેચ મંગળવારે સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું, હવે આજે ભારતીય ટીમ સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 4.30 વાગ્યે શરૂ થશે.
કેએલ રાહુલ આ વનડે સિરીઝમાં કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જો ભારતીય આજની મેચ જીતી જશે તો દક્ષિણ આફ્રિકા સામે તેમની જ ધરતી પર ભારતની બીજી વન-ડે સિરીઝ જીત હશે. અત્યાર સુધી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ધરતી પર કુલ 8 દ્વિપક્ષીય વનડે સિરીઝ રમી છે. તેમાંથી એકમાં જ ભારતની જીત થઇ છે. હવે ભારતીય ટીમ આફ્રિકાની ધરતી પર તેની 9મી વનડે સિરીઝ રમી રહી છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ પાસે આ શ્રેણી જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.
સેન્ટ જ્યોર્જની પીચ બોલરો માટે મદદરૂપ માનવામાં આવે છે. અહીં પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 233 છે જ્યારે બીજી ઈનિંગમાં સ્કોર માત્ર 200 જ છે. આ પીચ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી T20 મેચમાં ભારતને પ્રથમ બેટિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ મેદાન પર અત્યાર સુધી 42 ODI મેચ રમાઈ છે જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 42 વખત જીતી છે અને બીજી બેટિંગ કરનાર ટીમ 21 વખત જીતી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે મંગળવારે અહીં વરસાદની કોઈ શક્યતા નથી. મેચની શરૂઆતમાં તાપમાન 24 ડિગ્રી હોઈ શકે છે જ્યારે મેચના અંતે તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ટી-20 સિરીઝની જેમ મેચની મજામાં ખલેલ નહીં પડે.
ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, અવેશ ખાન, મુકેશ કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.