
કોલકતા: World Cup 2023માં ટીમ ઈન્ડિયા સતત 7 મેચ જીતીને વર્લ્ડકપની સેમીફાઈનલમાં તો પહોંચી ગઈ છે પણ ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માને એક વાતનો ડર સતાવી રહ્યો છે. જેના વિશે આપણે અહીં વાત કરીશું.
આજે કોલકતામાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે મેચ રમશે અને આ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર આવે છે. આજની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ખાતે રમાશે. આ વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને એમાં પણ ખાસ કરીને તેમના બેટ્સમેનોએ લગભગ દરેક મેચમાં સામેવાળી ટીમને ઊંચો ટાર્ગેટ આપીને મુશ્કેલીમાં મૂકી છે.
આવી પરીસ્થિતિમાં એવું કહી શકાય કે આ મેચ ભારતની બોલિંગ અને સાઉથ આફ્રિકાની બેટિંગની પરીક્ષા સમાન હશે. આજની આ મેચ પહેલાં જ ટીમ ઈન્ડિયા માટે એક માઠા સમાચાર આવ્યા છે અને આ સમાચાર હાર્દિક પંડ્યા સંબંધિત છે. હાર્દિક ઈજાને કારણે વર્લ્ડકપ 2023માંથી બહાર થઈ ગયો છે અને એની સાથે જ ટીમ ઈન્ડિયાની આ નબળાઈનો ડર જ કેપ્ટન રોહિત શર્માને સતાવી રહ્યો છે.
હાર્દિકની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં 5 બોલરો સાથે મેદાન પર ઉતરી હતી અને આ ત્રણેયમાં જીત મેળવી હતી. હાલમાં બોલર મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ એકદમ ફૂલ ફોર્મમાં છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ સામેવાળી ટીમના બોલરોને રાતે પાણીએ રોવડવ્યા છે.
અત્યાર સુધીના આ ટીમના રેકોર્ડની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરીને આ ટીમે 428, 311, 399, 382 અને 357 રન બનાવ્યા છે. આંકડાઓ જોતા 300 પ્લસનો આંકડો 5 વખત પાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે અને દરેક વખતે આફ્રિકન ટીમ 100થી વધુ રનથી જીતી છે.
આવી પરીસ્થિતિમાં રોહિતને પ્લેઈંગ-11ને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે આફ્રિકાના આ ધૂંઆધાર બેટ્સમેનો સામે 5 બોલરોની રણનીતિનો દાવ બેકફાયર કરી શકે છે. હવે જોવાનું એ છે કે રોહિત આ નબળાઈને ધ્યાનમાં રાખીને પ્લેઈંગ-11 પસંદ કરશે કે પછી સેમી ફાઈનલમાં પહોંચ્યા બાદ મહત્વના ખેલાડીઓને આરામ આપવાનું વિચારશે.
ટીમ ઈન્ડિયાના ટોપ-6માં તો ફેરફારનો કોઈ જ સ્કોપ નથી. રોહિત, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે આ વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ફિનિશરની ભૂમિકા ભજવશે. તો પછી હવે સવાલ એ છે કે શું રોહિત કોઈ બોલરને આરામ આપશે કે કેમ?
આવી હશે ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ/આર અશ્વિન.