ચૂંટણીમાં માઈલેજ મેળવવા તેમના દેશના નામનો ઉપયોગ નહીં કરવા પાકિસ્તાનની વિનંતી, ભારતે આપ્યો જવાબ

ઇસ્લામાબાદઃ ભારતમાં લોકસભાની ચૂંટણી થઇ રહી હોય અને પાકિસ્તાન શાંત બેસી રહે એ શક્ય જ નથી. શુક્રવારે દેશમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થયું હતું. આ દરમિયાન ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણી પર પાકિસ્તાન તરફથી મોટી ટિપ્પણી કરવામાં આવી છે. પાકિસ્તાને શુક્રવારે જણાવ્યું હતું કે ભારતે ત્યાં યોજાયેલી ચૂંટણીમાં તેમના દેશ (પાકિસ્તાન)ના નામનો ઉપયોગ કરી લાભ ખાટવાનો પ્રયત્ન ના કરવો જોઇએ.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે શુક્રવારે ભારતીય રાજકારણીઓને આવી વિનંતી કરતા કહ્યું હતું કે તેઓ તેમના ભાષણોમાં રાજકીય લાભ માટે પાકિસ્તાનને ન ખેંચે.
તેઓ આટલેથી નહોતા અટક્યા. તેમણે કાશ્મીર મુદ્દે પણ ઝેર ઓક્યું હતું. ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા બલોચે કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર ભારતના તમામ દાવાઓને ફગાવી દે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પાયાવિહોણા છે અને કોઈપણ ઐતિહાસિક અથવા કાયદાકીય તથ્યોની વિરુદ્ધ છે. ભારતીય વિદેશ મંત્રાલયે વારંવાર કહ્યું છે કે “જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને રહેશે.” અન્ય કોઈ દેશને આ અંગે ટિપ્પણી કરવાનો અધિકાર નથી.
હાલમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. પ્રચાર દરમિયાન અનેક વખત શાસક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો છે. 11 એપ્રિલના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, “જમ્મુ-કાશ્મીર જે રીતે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, તે જોતા મને એમ લાગે છે કે PoKના લોકો એવું માને છે કે તેમનો વિકાસ પાકિસ્તાનના હાથે નહીં, પરંતુ ફક્ત PM મોદીના હાથે જ શક્ય છે. પીઓકેના લોકો કહી શકે છે કે તેઓ ભારત સાથે રહેવા માંગે છે. PoK અમારો (ભારત) હિસ્સો હતો, છે અને રહેશે.”
આ મહિનાની શરૂઆતમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે કેરળના તિરુવનંતપુરમમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન PoKના મુદ્દા પર કહ્યું હતું કે, “PoK મુદ્દે રાષ્ટ્રીય સ્થિતિ જે છે તે છે, પણ ભારતની સંસદે સંયુક્ત વલણ અપનાવ્યું છે અને દેશના દરેક રાજકીય પક્ષોએ તે સ્ટેન્ડને સમર્થન આપ્યું છે. અમે ક્યારેય સ્વીકારીશું નહીં કે PoK ભારતનો ભાગ નથી. આ એક સંયુક્ત સ્ટેન્ડ છે, તે અમારું સ્ટેન્ડ છે.”