ટોપ ન્યૂઝનેશનલ

હંગર ઈન્ડેક્સમાં ભારત 125 માંથી 111મા સ્થાને, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ પણ આગળ

ગુરુવારે જાહેર કરાયેલા ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2023માં ભારત 28.7ના સ્કોર સાથે 125 દેશોમાં 111મા ક્રમે રહ્યું હતું. ભારતનો ક્રમ પડોશી દેશો પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશથી પણ પાછળ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ભારત 4 ક્રમ પાછળ ઠેલાઈ ગયું છે. રેન્કિંગ જાહેર થયા બાદ ભારત સરકારની નીતિઓ પર સવાલો ઉઠવા લાગ્યા છે. એવામાં કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ ગ્લોબલ હંગર ઈન્ડેક્સને નકારી કાઢ્યો છે.

GHI એ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને અનુક્રમે 102મા, 81મા, 69મા અને 60મા સ્થાને રાખ્યા છે. જ્યારે ભારતને 111માં સ્થાને રાખવામાં આવ્યું છે. ગત વર્ષે 2022માં ભારત 121માંથી 107મા ક્રમે હતું. આમ ભારતના એક વર્ષમાં હંગર ઇન્ડેક્સમાં ચાર ક્રમ પાછળ ગયું છે.

હંગર ઇન્ડેક્સમાં ભારત કરતાં નીચું રેન્કિંગ ધરાવતા દેશોમાં તિમોર-લેસ્તે, મોઝામ્બિક, અફઘાનિસ્તાન, હૈતી, ગિની-બિસાઉ, લાઇબેરિયા, સિએરા લિયોન, ચાડ, નાઇજર, લેસોથો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યમન, મેડાગાસ્કર, સાઉથ સુદાન, બુરુન્ડી અને સોમાલિયાનો સમાવશ થાય છે. આ તમામ દેશો, એવા જે ભારતની સરખામણીમાં ખૂબ જ ઓછા સંસાધનો અને નાની અર્થવ્યવસ્થા ધરાવે છે. જયારે ભારત સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા દેશોમાંનું એક છે.

તાજેતરના GHI હેવાલ મુજબ ભારત એવા 40 દેશોના જૂથમાં આવે છે જ્યાં વૈશ્વિક ભૂખમરાની સ્થિતિ ‘ગંભીર’ છે. ભારતનો એકંદર GHI સ્કોર 28.7 છે. આ સ્કોરની ગણતરી 100-પોઇન્ટ સ્કેલ પર કરવામાં આવે છે. જેટલો ઊંચો સ્કોર, દેશનું પ્રદર્શન એટલું જ ખરાબ.

આયર્લેન્ડની સંસ્થા ‘કન્સર્ન વર્લ્ડવાઈડ’ અને જર્મનીની સંસ્થા ‘વેલ્ટ હંગરહિલ્ફ’ દ્વારા આ અહેવાલ તૈયાર તૈયાર કરવામાં આવ્યો છે. સંસ્થાના જણાવ્યા મુજબ, આ પીઅર-સમીક્ષા અહેવાલ છે જે 2006 થી વાર્ષિક ધોરણે તૈયાર કરવામાં આવે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે GHI એ દેશમાં પોષણની સ્થિતિને લગતી કેટલીક સમસ્યાઓનું લક્ષણ હોઈ શકે છે. કેટલાક દેશો માટે, ઉચ્ચ સ્કોર કુપોષણના ઊંચા દરોને કારણે હોઈ શકે છે, જે વસ્તીના મોટા ભાગના લોકોમાં કેલરીના અભાવને દર્શાવે છે. અહેવાલ મુજબ ઉચ્ચ GHI સ્કોર એ ખોરાકની અછત, નબળી-ગુણવત્તાવાળા આહાર, અપૂરતી બાળ સંભાળ વ્યવસ્થાઓ, અસ્વસ્થ વાતાવરણને કારણે હોઈ શકે છે.

GHI સ્કોરની ગણતરી કરવા માટે ચાર પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા: કુપોષણ (બાળકો અને પુખ્ત વયના લોકો); ચાઇલ્ડ સ્ટંટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ ધરાવતા બાળકો); 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો મૃત્યુદર; અને ચાઈલ્ડ વેસ્ટીંગ (ઊંચાઈની સરખામણીમાં ઓછો વજન). આ તમામ સૂચકાંકો યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ના ઘટકો છે.

રિપોર્ટ અનુસાર, સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ ચાઈલ્ડ વેસ્ટીંગ (ઊંચાઈ સામે ઓછું વજન) દર 18.7% છે, જે તીવ્ર કુપોષણને દર્શાવે છે. જો કોઈ દેશમાં 15% થી વધુ ચાઈલ્ડ વેસ્ટીંગ હોય, તે ‘વેરી હાઈ રિસ્ક’ પરિસ્થિતિ દર્શાવે છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ચાઈલ્ડ વેસ્ટીંગની ‘વેરી હાઈ’ શ્રેણીમાં છે.

ચાઈલ્ડ સ્ટંટિંગ (ઉંમર સામે ઓછી ઊંચાઈ)ની વાત કરીએ તો, ભારત તેમાં પણ ‘વેરી હાઈ રિસ્ક’ હેઠળના દેશોની શ્રેણીમાં આવે છે. ભારતમાં 35% થી વધુ બાળકો સ્ટંટેડ હોવાનું રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

કુલ વસ્તીના લગભગ 16.6% કુપોષિત હોવા સાથે ભારતના કુપોષણના સ્તરમાં ‘મીડીયમ’ રિસ્ક કેટેગરીમાં આવે છે. 15-24 વર્ષની વયની મહિલાઓમાં એનિમિયાનો વ્યાપ દેશ માટે મોટી સમસ્યાછે. દેશમાં 50% થી વધુ મહિલાઓ અને કિશોરો એનિમિયાથી પીડાય છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.

ભારત સરકારે અગાઉની જેમ આ વર્ષે પણ આ અહેવાલને ફગાવી દીધો છે. ગઈ કાલે એક નિવેદન જાહેર કરીને, સરકારે રિપોર્ટ તૈયાર કરવાની પદ્ધતિને ખામીયુક્ત ગણાવી છે, અને ઉપયોગમાં લેવાતા ચાર પરિમાણોની પસંદગી અંગે સવાલ ઉઠાવ્યા હતા.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયએ જણાવ્યું હતું કે,‘ઇન્ડેક્સની ગણતરી માટે ઉપયોગમાં લેવાતા ચારમાંથી ત્રણ સૂચકાંકો બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે અને તે સમગ્ર વસ્તીને લાગુ પડતા નથી. ચોથું અને સૌથી મહત્ત્વનું સૂચક ‘વસ્તીના પ્રમાણ કુપોષિણ’ માત્ર 3000 અભિપ્રાય મતદાન પર આધારિત છે.’

નાગરીકોને પોષણ પૂરું પાડવામાં ભારતના નબળા પ્રદર્શનને GHI ઉપરાંત ઘણા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. યુએનનો SOFI-2023 રિપોર્ટ દર્શાવે છે કે 74.1% ભારતીય વસ્તી યોગ્ય સ્વસ્થ આહાર ખરીદી શકે એવી સ્થિતિમાં નથી. માત્ર નેપાળ, પાકિસ્તાન, સિએરા લિયોન, નાઇજીરીયા, નાઇજર, બુર્કિના-ફાસો, ઘાના, લાઇબેરિયા, ગિની અને ગિની બિસાઉ જેવા દેશોમાં જ ભારત કરતા નબળી સ્થિતિ છે.

SOFI-2023 રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં 233.9 મિલિયન (24 કરોડ) લોકો ‘કુપોષિત’ છે. SOFI ના અહેવાલ મુજબ કુપોષણને એવી વ્યક્તિની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરવા આવ્યું છે કે જેમાં વ્યક્તિને સામાન્ય, સક્રિય અને સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી ડાયટ એનર્જીનો સરેરાશ જથ્થો તેના રોજીંદા ખોરાક માંથી મળતો ના હોય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…