દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સત્તાવાર રીતે કરેલી જાહેરાત મુજબ ભારત અને પાકિસ્તાન 2027ની સાલ સુધી આઇસીસીની ઇવેન્ટમાં પોતપોતાની મૅચો એકમેકને ત્યાં રમવાને બદલે તટસ્થ દેશમાં રમશે. પાકિસ્તાન જો યજમાન હશે તો ભારત પોતાની મૅચો તટસ્થ સ્થળે (મોટ ભાગે યુએઇમાં) રમશે અને જો ભારત યજમાન હશે તો પાકિસ્તાન પોતાની મૅચો કોઈ તટસ્થ દેશમાં એ ટૂર્નામેન્ટની મૅચો રમશે. ટૂંકમાં, ભારતે સૂચવેલું હાઇબ્રિડ મૉડેલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે છેવટે સ્વીકારવું પડ્યું છે.
ફેબ્રુઆરી-માર્ચની ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ ભારતની મૅચો મોટા ભાગે યુએઇમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે કેન્દ્ર સરકાર સાથેની ચર્ચા બાદ આઇસીસીને જણાવી જ દીધું હતું કે ભારતના ખેલાડીઓને આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જ મોકલવામાં આવે. જોકે પાકિસ્તાન હઠ પકડીને બેઠું હતું કે ભારત વગર પણ પોતાને ત્યાં ટૂર્નામેન્ટ રાખીશું. જોકે મોટી મહેસૂલી આવક ગુમાવવી પડશે અને ક્રિકેટ જગતમાંથી પોતે વિખૂટાં પડી જવું પડશે એવા ડરથી પાકિસ્તાન બોર્ડે છેવટે હાઇબ્રિડ મૉડેલ માટે નમવું પડ્યું છે.
આ પણ વાંચો : ફેમસ ક્રિકેટરે પુત્રને ઑસ્ટ્રેલિયાની ટૂર માટેની ટીમમાં સિલેક્ટ કર્યો!
જય શાહ બીસીસીઆઇના સેક્રેટરી તરીકેની મુદત સફળતાપૂર્વક પૂરી કરીને આઇસીસીના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થયા છે. તેઓ આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન બન્યા છે. ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થા દ્વારા કરાયેલી હાઇબ્રિડ મૉડેલની ગોઠવણ 2028ના મહિલા ટી-20 વર્લ્ડ કપને પણ લાગુ પડશે. એ સ્પર્ધા પાકિસ્તાનમાં રમાવાની છે. 2026માં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. એ જ વર્ષમાં ભારત-શ્રીલંકામાં સંયુક્ત રીતે મહિલાઓનો ટી-20 વિશ્વ કપ યોજાશે. આ બન્ને મોટી સ્પર્ધામાં પાકિસ્તાનની મૅચો તટસ્થ દેશના મેદાનો પર રમાશે.