ભારતે ફરી રમવાની ના પાડીને પાકિસ્તાનનું નાક કાપ્યું
સેમિમાં પાકિસ્તાનીઓનો બહિષ્કાર, લેજન્ડ્સની વિશ્વસ્પર્ધામાં ઇન્ડિયા ચૅમ્પિયન્સની સફર હવે પૂરીઃ બીજી સેમિમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા

બર્મિંગમઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)માં ગુરુવાર, 31મી જુલાઈએ એજબૅસ્ટનમાં સેમિ ફાઇનલ રમાવાની હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ લીગ મૅચ બાદ હવે સેમિ ફાઇનલમાં પણ પાકિસ્તાન (PAKISTAN) સામે રમવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે આ સ્પર્ધામાં ભારતીય ટીમ (INDIA TEAM)ની સફર પૂરી થઈ છે, પાકિસ્તાનના પેટમાં તેલ પણ રેડાયું છે.
ગયા અઠવાડિયે લીગ સ્ટેજની મૅચમાં ભારતે પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી હતી ત્યારે જ શંકા હતી કે જો આ જ બે દેશ સેમિ ફાઇનલમાં કે ફાઇનલમાં સામસામે આવશે તો શું? જોકે આયોજકો ત્યારે કોઈ નિર્ણય પર નહોતા આવી શક્યા, પરંતુ બુધવારે આ લીગ ટૂર્નામેન્ટના મુખ્ય સ્પૉન્સર ઇઝમાયટ્રિપે ભારત-પાકિસ્તાન મૅચને સપોર્ટ આપવાની ના પાડી દીધી અને ભારતીય ખેલાડીઓએ પણ રમવાનો સત્તાવાર રીતે ઇનકાર કર્યો છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાનની ટીમને સીધો ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.
બીજી સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ અને સાઉથ આફ્રિકા ચૅમ્પિયન્સ પહોંચ્યા છે અને તેમની સેમિ ફાઇનલ ગુરુવાર, 31મીએ (રાત્રે 9.00 વાગ્યાથી) રમાશે.
આપણ વાંચો: વેસ્ટ ઇન્ડિઝને સુવર્ણકાળ અપાવનાર ક્રિકેટ-લેજન્ડ્સને મળી સૌથી મોંઘી ગોલ્ડન જર્સી
ખેલકૂદ કરતાં દેશ ભાવના વધુ મહત્ત્વની
ડબ્લ્યૂસીએલમાં ભારતીય ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન્સ તરીકે ઓળખાય છે અને એમાં કૅપ્ટન યુવરાજ સિંહ, શિખર ધવન, ઇરફાન પઠાણ, હરભજન સિંહ, સુરેશ રૈના વગેરેનો સમાવેશ છે. સ્પૉન્સર કંપનીએ પાકિસ્તાન સામે ન રમવાના ભારતીય ટીમના નિર્ણયને ટેકો આપ્યો હતો અને પાકિસ્તાનના આતંકવાદને વખોડવાની સાથે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ` ક્યારેક કોઈક બાબત ખેલકૂદ કરતાં પણ પર હોય છે. અમારું હંમેશાં વલણ રહ્યું છે કે દેશ પહેલાં અને બિઝનેસ પછી.’
તાજેતરમાં કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ સહેલાણીઓ પર ઘાતક હુમલો કર્યો એના જવાબમાં ભારતે મે મહિનામાં પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા અને ત્યાંના આતંકવાદી સ્થાનો તેમ જ હવાઈ દળના મથકો નેસ્તનાબૂદ કરી દીધા હતા.
આપણ વાંચો: ભારતના લેજન્ડ્સ બે મૅચ જીત્યા પછી પાકિસ્તાન સામે હારી ગયા
પોલાર્ડની ફટકાબાજી પાણીમાં, ભારતનો વિજય
મંગળવારે ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામેની અંતિમ લીગ મૅચમાં ફક્ત 13.2 ઓવરમાં 145 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો અને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી, પરંતુ સેમિમાં સામે પાકિસ્તાન આવતાં ભારતે એની સામે રમવાની ના પાડી છે.
ઇન્ડિયા ચૅમ્પિયન્સે બૅટિંગ આપ્યા પછી વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન્સે કીરૉન પોલાર્ડ (74 અણનમ, 43 બૉલ, આઠ સિક્સર, ત્રણ ફોર)ની આતશબાજીની મદદથી નવ વિકેટે 144 રન કર્યા હતા. પાંચ બૅટ્સમેનના સિંગલ ડિજિટમાં રન હતા અને ત્રણ બૅટ્સમેનના ઝીરો હતા. ભારત વતી પીયૂષ ચાવલાએ ત્રણ તેમ જ વરુણ આરૉન તથા સ્ટુઅર્ટ બિન્નીએ બે-બે અને પવન નેગીએ એક વિકેટ લીધી હતી. એક તબક્કે 43 રનમાં કૅરિબિયનોની પાંચ વિકેટ પડી ચૂકી હતી.
આપણ વાંચો: ભારતે પાકિસ્તાન સામે રમવાની ના પાડી એટલે ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીને મરચાં લાગ્યા!
ભારતીય ટીમે સાધારણ શરૂઆત કર્યા બાદ 13.2 ઓવરમાં પાંચ વિકેટે 148 રન કરીને વિજય મેળવી લીધો હતો. સ્ટુઅર્ટ બિન્ની (50 અણનમ, 21 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની જ ટીમમાં હાફ સેન્ચુરી હતી, પરંતુ બીજા ત્રણ પ્લેયર શિખર ધવન (18 બૉલમાં પચીસ રન), યુવરાજ સિંહ (11 બૉલમાં 21 રન) અને યુસુફ પઠાણ (સાત બૉલમાં 21 અણનમ)ના સાધારણ, પરંતુ આક્રમણ યોગદાનોથી 14મી ઓવરમાં જ વિજય મેળવી લીધો હતો. બિન્નીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
પાકિસ્તાનને કેવી રીતે ભારત સામે આવવા મળ્યું?
શોએબ મલિકના નેતૃત્વમાં પાકિસ્તાને પોતાની અંતિમ લીગ મૅચમાં સઈદ અજમલની છ વિકેટની મદદથી બે્રટ લીના સુકાનમાં રમતી ઑસ્ટ્રેલિયાની ટીમને 74 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું અને પછી વિના વિકેટે 75 રન કરી લીધા હતા. એ જીત સાથે પાકિસ્તાન સેમિમાં પહોંચ્યું હતું, પરંતુ સેમિમાં ભારતે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો છે.