સેન્ચ્યુરિયન: ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. યુવા ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ધરતી પર T20 અને ODI સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ રહી છે. આ મેચ સેન્ચુરિયન સુપરસ્પોર્ટ્સ પાર્ક માં રમાશે, આ સાથે જ વર્લ્ડકપ બાદ રોહિત અને વિરાટ જેવા દિગ્ગજો ફરી મેદાન પર જોવા મળશે.
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. ભારતીય ટીમ આ શરમજનક રેકોર્ડ તોડવા માટે મેદાનમાં ઉતરશે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા ઘર આંગણે ભારત સામે પોતાનો મજબૂત રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી શરુ થશે.
ભારતીય ટીમ વર્ષ 1992માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતીય ટીમે અહીં 8 ટેસ્ટ સિરીઝ રમી છે. તે આમાંથી એકમાં ભારતીય ટીમ જીત મેળવી શકી નથી. ભારતને સાત સિરીઝમાં હાર મળી છે અને એક શ્રેણી ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયા અહીં રમાયેલી 23 ટેસ્ટ મેચમાંથી માત્ર 4 મેચ જીતી શકી છે.
રોહિત શર્માની મજબૂત આગેવાનીમાં ભારતીય ટીમ આ વખતે કોઈપણ ભોગે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે. આ વખતે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની સરખામણીમાં ઘણી મજબૂત દેખાઈ રહી છે.
સેન્ચુરિયનની પિચ દક્ષિણ આફ્રિકાની સૌથી ફાસ્ટ પિચોમાંથી એક છે. આ પિચ ફાસ્ટ બોલરો માટે વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે. આ મેદાનને દક્ષિણ આફ્રિકાનો ગઢ ગણવામાં આવે છે, અહીં રમાયેલી 28માંથી દક્ષિણ આફ્રિકન ટીમે 22 ટેસ્ટ મેચ જીતી છે. જો કે, ભારતીય ટીમે તેના છેલ્લા પ્રવાસ દરમિયાન આ મેદાન પર 113 રને જીત નોંધાવી હતી. ત્યારે વિરાટ કોહલી કેપ્ટન હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 42 ટેસ્ટ મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ 15 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકાએ 17 મેચ જીતી છે. 10 મેચ ડ્રો રહી છે.
ટેસ્ટ મેચ દરમિયાન વરસાદ અવરોધ બની શકે છે. પ્રથમ ટેસ્ટ દરમિયાન હવામાન ખરાબ રહેવાની ધારણા છે. એવી પણ શક્યતા છે કે મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ શકે છે. વરસાદને કારણે પિચ ફાસ્ટ બોલરો માટે વધુ અનુકૂળ થવાની અપેક્ષા છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11:
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિશ્ના, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર, એઇડન માર્કરામ, ટોની ડી જોર્ગી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન/ડેવિડ બેડિંગહામ, કાયલ વ્રેન (વિકેટમાં), માર્કો યાનસીન, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, લુંગી એનગીડી.