સપા નેતા આઝમ ખાનના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગના દરોડા, 6 જગ્યાએ તપાસ ચાલુ

સપા નેતા આઝમ ખાનના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગના દરોડા, 6 જગ્યાએ તપાસ ચાલુ

આવકવેરા વિભાગે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ પ્રધાન આઝમ ખાનના ઘર સહીત અન્ય સ્થળોએ દરોડા પડ્યા છે. આ દરોડા અલ જૌહર ટ્રસ્ટ મામલે પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે રામપુર, લખનૌ, સહારનપુર, ગાઝિયાબાદ, સહારનપુરમાં દરોડા પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, દરોડા સમયે સપા નેતા આઝમ ખાન તેમના રામપુરના આવાસ પર હતા. આજે સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં આવકવેરા વિભાગના એક ડઝન વાહનોનો કાફલો આઝમ ખાનમાં નિવાસસ્થાને પહોંચ્યો હતો. આઝમ ખાનની મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના ટ્રસ્ટના ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા વિભાગે સપા આઝમ ખાનના નજીકના ગણાતા નસીર ખાનના ઘરે પણ દરોડા પડ્યા છે. નસીર ખાન ચમરૌઆના સપા વિધાનસભ્ય છે અને આઝમ ખાનના જૌહર ટ્રસ્ટમાં પદાધિકારી છે.

મળતી માહિતી મુજબ, આઝમ ખાન અને તેનો પરિવાર હાલમાં ઘરની અંદર હાજર છે, કેન્દ્રીય સુરક્ષા દળોએ આઝમ ખાનના ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે અને કોઈને આવવા-જવા દેવામાં આવી રહ્યાં નથી. હાલમાં આઝમ ખાનના ઘરની બહાર સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને આવકવેરા વિભાગના અધિકારીઓ અંદર તપાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આઝમ ખાન રામપુરથી 10 વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે અને બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમની પત્ની ડો.તાઝીન ફાતિમા પણ સાંસદ અને વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ પણ પૂર્વ વિધાનસભ્ય છે. આઝમ ખાનને ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સમાજવાદી પાર્ટીના મોટા મુસ્લિમ નેતા માનવામાં આવે છે, પરંતુ જોહર યુનિવર્સિટી બનાવવા માટે તેમના પર અનેક આરોપો લાગ્યા છે. આ અંગે આઝમ ખાન વિરુદ્ધ લગભગ 92 કેસ પેન્ડિંગ છે, આઝમ ખાનના આખા પરિવાર વિરુદ્ધ 300 થી વધુ કેસ નોંધાયેલા છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button