સુરતમાં ભાજપને પ્યારેલાલ ફળ્યા, મુકેશ દલાલ થયા બિનહરીફ
સુરત: બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે સુરતનું રાજકારણ આજે દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. સુરતમાં ગઇકાલે કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કુલ 9 ઉમેદવારો વચ્ચે જંગ જામવાની હતી. જેમાં ચાર અપક્ષ ઉમેદવારો અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં હતા. તેમાથી ભાજપના ઉમેદવાર સિવાય તમામ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે. ફોર્મ પાછા ખેંચવા બાબતે ભારે ડ્રામા બાદ સૌથી છેલ્લે બસપાના ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં અપક્ષ અને અન્ય પાર્ટીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેમાંના એક બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે.
સુરત બેઠકના 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હોય. વર્ષ 1951થી ચૂંટણી યોજાઈ રહી છે અને 2019 સુધી 17 વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ 1951 પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં.
સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C. R. Patil) દ્વારા ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવીને જણાવ્યુ હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!”