નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં આયોજિત ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023ને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સાયબર આતંકવાદ, મની લોન્ડરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા વૈશ્વિક જોખમો વિશે પોતાનો અભિપ્રાય પ્રસ્તુત કરતા કહ્યું હતું કે જ્યારે ખતરો વૈશ્વિક હોય તો તેનો સામનો કરવાની રીત પણ વૈશ્વિક હોવી જોઈએ.
પીએમ મોદીએ કહ્યું હતું કે, “આજે જ્યારે વિશ્વનો ભારત પર વિશ્વાસ વધી રહ્યો છે, ત્યારે ભારતની ન્યાયી અને સ્વતંત્ર ન્યાય પ્રણાલીની તેમાં મોટી ભૂમિકા છે. આજે ભારતે ઘણા ઐતિહાસિક નિર્ણયો જોયા છે. હાલમાં જ ભારતની સંસદમાં લોકસભામાં અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવા માટે એક કાયદો પસાર કરવામાં આવ્યો છે. નારી શક્તિ વંદન કાયદો ભારતમાં મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને નવી દિશા અને ઊર્જા આપશે.”
પીએમ મોદીએ કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ G20 સમિટમાં દુનિયાએ આપણી લોકશાહી, વસ્તીવિષયક અને રાજનીતિની ઝલક જોઈ. એક મહિના પહેલા ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો વિશ્વનો પહેલો દેશ બન્યો હતો. આવી ઘણી સિદ્ધિઓ છે. આજનું ભારત આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભારત આજે 2047 સુધીમાં વિકાસના લક્ષ્ય તરફ સખત મહેનત કરી રહ્યું છે અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે, ભારતને નિશ્ચિતપણે એક મજબૂત નિષ્પક્ષ સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થાના આધારની જરૂર છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આજે 21મી સદીમાં, આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જે એકબીજા સાથે ખૂબ જ જોડાયેલ છે. આજે એવા ઘણા વૈશ્વિક પરિબળો અને જોખમો છે જેમાં બોર્ડર કે જ્યુરિડિક્શન (અધિકારક્ષેત્ર) કામ નથી કરતું. તેની સામે આપણે લડવાનું છે. જ્યારે જોખમો વૈશ્વિક હોય ત્યારે તેની સામે લડવાની રીત પણ વૈશ્વિક હોવી જોઇએ. સાયબર આતંકવાદ, મની લોન્ડરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને તેનો દુરુપયોગ જેવા અનેક મુદ્દાઓ ગ્લોબલ છે અને તેના પર સહયોગ માટે વૈશ્વિક માળખું બનાવવું જરૂરી છે. આ ગવર્નન્સ કે સરકાર સાથે જોડાયેલો મામલો નથી. આ માટે વિવિધ દેશોના કાયદાકીય માળખાને એકબીજા સાથે જોડવા પડશે.જેમ આપણે એર ટ્રાફિક કંટ્રોલ માટે સાથે મળીને કામ કરીએ છીએ, તે જ રીતે આપણે અલગ અલગ દેશોમાં વૈશ્વિક માળખું તૈયાર કરવાની જરૂર છે.
આ પ્રસંગે તેમણે કાયદાની સરળતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે કાયદો એવી ભાષામાં હોવો જોઇએ કે જે દેશનો સામાન્ય માણસ પણ સમજી શકે અને તેને પોતાનો ગણી શકે. આ માટે સરકારના પ્રયાસો જારી છે.
Taboola Feed