મિનિમમ બેલેન્સ પછી ICICI બેંકનો નવો ધડાકો: 'આ' ટ્રાન્ઝેક્શન કરશો તો ખિસ્સું થશે ખાલી! | મુંબઈ સમાચાર

મિનિમમ બેલેન્સ પછી ICICI બેંકનો નવો ધડાકો: ‘આ’ ટ્રાન્ઝેક્શન કરશો તો ખિસ્સું થશે ખાલી!

ATM, કેશ ઉપાડ સહિત અનેક ટ્રાન્ઝેક્શન પરના ચાર્જ અંગેની A2Z વિગતો જાણો

નવી દિલ્હી: દેશના ખાનગી ક્ષેત્રની અગ્રણી ICICI બેંકે તેના સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાના નિયમો જાહેર કર્યા હતા, ત્યાર બાદ મધ્યમ વર્ગ જ નહીં, પરંતુ આમ જનતા માટે આઈસીઆઈસીઆઈ બેંક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો હવે માત્ર આ ન્યૂનતમ બેલેન્સના નિયમો સુધી સીમિત રહ્યો નથી.

ICICI બેંકે તેના સેવિંગ એકાઉન્ટ ગ્રાહકો માટે નવા નિયમો અને ચાર્જની જાહેરાત કરી છે, જે પહેલી ઓગસ્ટથી લાગુ થયા છે. નવા ફેરફારોમાં ATM ચાર્જ, રોકડ ઉપાડ અને જમા નિયમોમાં પણ મહત્વના ફેરફારો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જો તમે ICICI બેંકના ગ્રાહક છો તો આ નવા નિયમોને જાણવા જરૂરી છે, કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.

આપણ વાંચો: ICICI બેન્કના થાપણદારો ચિંતામાં, વિકલ્પ શું છે?, RBI શું કહે છે જાણો…

જાણો નવા ચાર્જ અને મર્યાદાઓ?

ICICI બેંકે રોકડ જમા અને ઉપાડ માટે નવી મર્યાદાઓ અને ચાર્જ લાગુ કર્યા છે. દર મહિને ત્રણ રોકડ ટ્રાન્ઝેક્શન મફત રહેશે, પરંતુ તે પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયાનો ચાર્જ લાગશે. આ ઉપરાંત, દર મહિને 1 લાખ રૂપિયા સુધીની રોકડ જમા કે ઉપાડ મફત રહેશે.

પણ આ રકમની મર્યાદા ક્રોસ કર્યા પછી દર 1,000 રૂપિયા પર 3.5 રૂપિયા અથવા 150 રૂપિયા (જે વધુ હોય તે) ચાર્જ લાગશે. જો એક જ ટ્રાન્ઝેક્શનમાં મફત ટ્રાન્ઝેક્શન અને રોકડની મર્યાદા બંને વટાવવામાં આવી તો ઉપરના ચાર્જમાંથી જે વધુ હશે તે લાગુ પડશે. તમામ બચત ખાતા માટે થર્ડ પાર્ટીની રોકડ ઉપાડની મર્યાદા પણ 25,000 રૂપિયા રહેશે.

આપણ વાંચો: ICICI સેવિંગ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રૂ.50 હજાર ફરજીયાત! કોને લાગુ પડશે આ નિયમ?

તમારા ATM ઉપયોગ પર પણ ચાર્જ

ICICI બેંકના ATMનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે રોકડ ઉપાડ અને બેલેન્સ ચેક જેવી સેવાઓ પર નવા ચાર્જ લાગુ થશે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોમાં નોન-ICICI બેંક ATM પર દર મહિને ત્રણ ટ્રાન્ઝેક્શન (ફાઈનાન્શિયલ અને નોન-ફાઈનાન્શિયલ) મફત રહેશે.

આ મર્યાદા ઓળંગવા પર દરેક ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયા અને નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર 8.5 રૂપિયાનો ચાર્જ લાગશે. અન્ય સ્થળોએ પાંચ ટ્રાન્ઝેક્શન મફત રહેશે, જે પછી સમાન ચાર્જ લાગશે.

વિદેશમાં ATMના ઉપયોગ પર દરેક ઉપાડ માટે 125 રૂપિયા ઉપરાંત 3.5 ટકા કરન્સી કન્વર્ઝન ફી અને નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા ચાર્જ લાગશે. ICICI બેંકના ATM પર દર મહિને પાંચ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મફત રહેશે, જે પછી 23 રૂપિયા ચાર્જ લાગશે, પરંતુ બેલેન્સ ચેક, મિનિ સ્ટેટમેન્ટ અને PIN બદલવા જેવી સેવાઓ મફત રહેશે.

આપણ વાંચો: HDFC અને ICICI Bankના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ માટે એલર્ટ, પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે આ નિયમ…

‘નોન-વર્કિંગ’ સમયમાં રોકડ જમા ચાર્જ

જો તમે સાંજે 4:30 વાગ્યાથી સવારે 9:00 વચ્ચે અથવા બેંકની રજાના દિવસે 10,000 રૂપિયાથી વધુ રોકડ જમા કરો છો તો દરેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયાનો વધારાનો ચાર્જ લાગશે.

આ ચાર્જ રોકડ ટ્રાન્ઝેક્શન ચાર્જથી અલગ હશે. આ ઉપરાંત, અન્ય ચાર્જમાં ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) માટે દર 1,000 રૂપિયા પર 2 રૂપિયા (ન્યૂનતમ 50 રૂપિયા, મહત્તમ 15,000 રૂપિયા), ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 300 રૂપિયા (ગ્રામીણ વિસ્તારોમાં 150 રૂપિયા), રિપ્લેસમેન્ટ કાર્ડ ફી 300 રૂપિયા, SMS ચાર્જ દરેક પર 15 પૈસા (ત્રિમાસિક મહત્તમ 100 રૂપિયા), અને RTGS ટ્રાન્ઝેક્શન માટે 2 લાખથી 5 લાખ રૂપિયા સુધી 20 રૂપિયા અને 5 લાખથી વધુ માટે 45 રૂપિયા ચાર્જ લાગશે.

બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન ચાર્જ 10,000 રૂપિયા સુધી 2.25 રૂપિયા, 10,001થી 1 લાખ સુધી 4.75 રૂપિયા, 1 લાખથી 2 લાખ સુધી 14.75 રૂપિયા, અને 2 લાખથી 10 લાખ સુધી 24.75 રૂપિયા લાગશે. બ્રાન્ચ અથવા ફોન બેંકિંગથી સ્ટેટમેન્ટ લેવા પર 100 રૂપિયા ચાર્જ લાગશે, પરંતુ ATM, iMobile, અથવા ઇન્ટરનેટ બેંકિંગથી મફત રહેશે.

મિનિમમ બેલેન્સના નિયમો પણ જાણો

ICICI બેંકે 1 ઓગસ્ટ, 2025થી ખોલવામાં આવેલા નવા સેવિંગ એકાઉન્ટ માટે ન્યૂનતમ માસિક બેલેન્સ (MAB)માં પાંચ ગણો વધારો કર્યો છે. મેટ્રો અને શહેરી બ્રાન્ચમાં હવે દર મહિને ઓછામાં ઓછું 50,000 રૂપિયાનું બેલેન્સ જાળવવું પડશે, અર્ધ-શહેરી બ્રાન્ચમાં 25,000 રૂપિયા, અને ગ્રામીણ બ્રાન્ચમાં 10,000 રૂપિયા જાળવવું પડશે.

જો ગ્રાહક આ ન્યૂનતમ બેલેન્સ જાળવવામાં નિષ્ફળ જાય, તો તેમના પર દંડ લાગશે. આ નવા નિયમો પર GST પણ લાગુ થશે, જે ગ્રાહકોના ખર્ચમાં વધારો કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button