ICC Cricket World Cup: જાણો આગામી વનડે ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે અને ક્યાં યોજાશે
ICC વનડે વર્લ્ડ કપ 2023ની ભારતે સફળતા પૂર્વક યજમાની કરી હતી. ફાઇનલ મેચમાં ભારતીય ટીમને હરાવીને ઓસ્ટ્રેલીયા ચીમ્પિયન બન્યું છે જેને કારણે કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટ્યા હતા. હવે ભારતીય ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી જોવા માટે હજુ ચાર વર્ષ રાહ જોવી પડશે. આગામી ICC વનડે વર્લ્ડ કપ વર્ષ 2027માં યોજાવાનો છે. આ વર્લ્ડ કપની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરી રહ્યા છે. ત્રણેય દેશો સાથે મળીને આગામી વર્લ્ડ કપની યજમાની કરશે.
યજમાન હોવાને કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વર્લ્ડ કપ 2027 રમશે તે નિશ્ચિત છે પરંતુ નામિબિયાને આગામી કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનના આધારે પોતાનું સ્થાન બનાવવું પડશે. નામિબિયાની વર્લ્ડ કપમાં પ્રવેશની ફોર્મ્યુલા અન્ય ટીમોની જેમ જ રહેશે.
આગામી વર્લ્ડ કપમાં 14 ટીમો ભાગ લેશે. આમાંથી બે યજમાન ટીમો પહેલેથી જ નક્કી છે. જયારે ICC ODI રેન્કિંગમાં ટોચની 8 ટીમોને વર્લ્ડ કપમાં સીધું સ્થાન મળશે. બાકીની ચાર ટીમો ક્વોલિફાયર મેચો દ્વારા ક્રિકેટની આ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરી શકશે.
વનડે વર્લ્ડ કપ 2027માં 7-7ટીમોના બે ગ્રુપ હશે. રાઉન્ડ રોબિન સ્ટેજમાં પછી, બંને ગ્રુપમાંથી ટોચની 3 ટીમો આગળના રાઉન્ડમાં જશે. એટલે કે બીજા રાઉન્ડમાં 6 ટીમો હશે. એક ગ્રુપની ટીમ બીજા ગ્રુપની તમામ ટીમો સામે એક-એક મેચ રમશે. આ રીતે, દરેક ટીમ આ રાઉન્ડમાં ત્રણ મેચ રમશે. આ તબક્કામાં બે ટીમો બહાર થઈ જશે અને પછી બંને ગ્રુમાં બચેલી 2-2 ટીમો વચ્ચે સેમીફાઈનલ મેચ રમાશે.
આફ્રિકન ખંડમાં બીજી વખત વનડે વર્લ્ડ કપ રમાશે. આ પહેલા વર્લ્ડકપ 2003નું આયોજન આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. એ સમયે કેન્યા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે મળીને વર્લ્ડ કપની મેચોની યજમાની કરી. તે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયા હતા પરંતુ કેન્યા સેમિફાઈનલમાં પહોંચી હતી. કેન્યાને સેમિફાઇનલમાં ભારતીય ટીમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
20 વર્ષ પહેલા આફ્રિકામાં આયોજિત આ વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા માટે યાદગાર રહ્યો હતો. ભારતીય ટીમ 1983 બાદ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. જો કે તે વખતે પણ ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.