હું ખૂબ ગુસ્સે છું, કાળી ચામડીના લોકોનું અપમાન કર્યું: નરેન્દ્ર મોદી
સામ પિત્રોડાની જાતિવાદી ટિપ્પણી મુદ્દે પીએમ મોદીએ વ્યક્ત કરી આકરી ટિપ્પણી
વારંગલ (તેલંગણા): કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ઈન્ડિયન ઓવરસીઝ યુનિટના પ્રમુખ સામ પિત્રોડાના ‘ઈનહેરિટન્સ ટેક્સ’ના નિવેદન પરનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તેમણે ભારતીયોના દેખાવ પર ટિપ્પણી કરીને ભાજપને વધુ એક રાજકીય હથિયાર આપ્યું છે. પિત્રોડાની વંશીય ટિપ્પણી બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર અને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પિત્રોડાની જાતિવાદી ટિપ્પણીની ટીકા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘હું મારા સાથી ભારતીયોનું અપમાન સહન નહીં કરું. આજે હું ખૂબ ગુસ્સે છું, મારા દેશ સાથે દુર્વ્યવહાર થયો છે અને તેથી જ હું ગુસ્સે છું.
તેલંગણાના વારંગલમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, શહજાદા (રાહુલ ગાંધીને માટે) એક અંકલ અમેરિકામાં રહે છે. આ રાજકુમારના કાકા તેમના ફિલોસોફિકલ માર્ગદર્શક છે, આજકાલ ક્રિકેટમાં ત્રીજા અમ્પાયર હોય છેને એના જેવા. મેદાનમાં જો કોઈ મૂંઝવણ ઊભી થાય તો તેમને પૂછવામાં આવે છે, તેવી જ રીતે જ્યારે રાજકુમારને મૂંઝવણ હોય ત્યારે તે ત્રીજા અમ્પાયર (પિત્રોડા અંકલ)ની સલાહ લે છે. રાજકુમારના કાકાએ એક મોટું રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું છે કે જેમની ત્વચાનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.
વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, ત્વચાના રંગને આધારે કૉંગ્રેસના લોકોએ મારા દેશના લોકો સાથે ઘણા લોકો સાથે દુર્વ્યવહાર કર્યો છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂનો વિરોધ કેમ કરી રહ્યા હતા તે મને સમજાયું નહોતું, આજે મને સમજાયું કે તેમની ત્વચાનો રંગ જોઈને તમે માની લીધું કે દ્રૌપદી મુર્મૂ પણ આફ્રિકન છે અને તેથી તેને હરાવી દેવાં જોઈએ, તેમની ત્વચાનો રંગ કાળો હોવાથી તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો.
આપણ વાંચો: “અબ દોસ્ત દોસ્ત ના રહા !” અંબાણી અદાણીને લઈને નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર મલ્લિકાર્જુન ખડગેના પ્રહાર
વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, આજે મને ખબર પડી કે તેમનું મન ક્યાં કામ કરે છે. આ લોકો દેશને ક્યાં લઈ જશે? અરે, આપણે એવા લોકો છીએ જેઓ શ્રી કૃષ્ણની પૂજા કરીએ છીએ, તેમની ચામડીનો રંગ આપણા બધા જેવો જ છે.
પિત્રોડાએ શું કહ્યું હતું?
આ પહેલા સામ પિત્રોડાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ઉત્તર ભારતના લોકો ગોરા જેવા દેખાય છે, જ્યારે પૂર્વ ભારતના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે. પિત્રોડાએ આ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ભારતીય લોકો આફ્રિકન જેવા દેખાય છે અને પશ્ર્ચિમ ભારતના લોકો આરબ લોકો જેવા દેખાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત જેવા વિવિધતાવાળા દેશમાં આજે પણ બધા એક સાથે રહે છે.
પિત્રોડાના આ વંશીય નિવેદન પર હવે ભાજપ આક્રમક બની ગયું છે. ભાજપ કહે છે કે આ શબ્દો સામ પિત્રોડાના હોઈ શકે પણ વિચાર રાહુલ ગાંધીનો છે. આ પહેલા સામ પિત્રોડાએ પોતાના નિવેદન દ્વારા રાજકારણમાં વિવાદ છેડ્યો હતો, જ્યારે તેમણે કહ્યું હતું કે અમેરિકાની જેમ ભારતમાં પણ વારસા ટેક્સ (ઈનહેરિટેન્સ ટેક્સ) લગાવવો જોઈએ. જો કે કોંગ્રેસે આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા, પરંતુ આ પછી પણ રાહુલ ગાંધીએ ઘણી પ્રચાર સભાઓમાં દેશમાં જાતિ ગણતરી અને આર્થિક સર્વે કરાવવાની વાત કરી હતી.
હિમંતા બિસ્વા સરમાએ ઝાટકણી કાઢી
આસામના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતૃત્વ હેઠળના નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના અધ્યક્ષ હિમંતા બિસ્વા સરમાએ પણ નિવેદનની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, સામ (પિત્રોડા) ભાઈ. હું નોર્થ ઈસ્ટનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે વૈવિધ્યસભર દેશ છીએ – આપણે ભલે જુદા દેખાઈએ પણ આપણે બધા એક છીએ. હમારે દેશ કે બારે મેં થોડા તો સમજ લો (આપણા રાષ્ટ્ર વિશે થોડું જાણી લો)!
મણિપુરના મુખ્ય પ્રધાને કહ્યું કૉંગ્રેસ માફી માંગે
મણિપુરના ભાજપના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે વધુ આક્રમક વલણ અપનાવ્યું હતું અને નિવેદનને ‘વંશીય ટિપ્પણી’ ગણાવ્યું હતું.
હું કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની ઉત્તરપૂર્વના લોકો વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણીની નિંદા કરું છું. કોંગ્રેસે હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી ભારતના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેઓએ જાણવું જોઈએ કે નોર્થ-ઈસ્ટ ભારતનો એક ભાગ રહ્યો છે અને હંમેશા રહેશે. ભારતની વિવિધતાનો આવો ઉપહાસ અત્યંત અસ્વીકાર્ય છે, તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને પિત્રોડા જાહેરમાં માફી માંગે.
કૉંગ્રેસે નિવેદનથી પોતાને અલગ કર્યું
બીજી તરફ કોંગ્રેસના જયરામ રમેશે તેમના પક્ષને પિત્રોડાની ટિપ્પણીઓથી દૂર રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતની વિવિધતાને દર્શાવવા માટે સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં દોરવામાં આવેલી સામ્યતાઓ સૌથી કમનસીબ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.