ટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ચક દે ઈન્ડિયા : ઑલિમ્પિક હૉકીમાં ભારતનો સતત બીજો બ્રૉન્ઝ

સ્પેનની ચડિયાતી ટીમને 2-1થી હરાવ્યું: બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીતે કર્યા

પૅરિસ: ભારતે અહીં પૅરિસ ઑલિમ્પિક્સમાં ગુરુવારે સાંજે સ્પેનને ત્રીજા સ્થાન માટેની પ્લે-ઑફમાં 2-1થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ ભારતીય ટીમ બ્રૉન્ઝ જીતી હતી. એ વખતે હરમનપ્રીત સિંહે ભારતને કાંસ્યચંદ્રક અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને આ વખતે તેના સુકાનમાં ભારતે ફરી ત્રીજા સ્થાને આવીને બ્રૉન્ઝ જીતી લીધો છે.

આ વખતની ઑલિમ્પિક્સમાં ભારતના કબજામાં કુલ ચોથો બ્રૉન્ઝ મેડલ આવ્યો છે. આ અગાઉ ભારતે ત્રણ શૂટિંગના બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા.હરમનપ્રીત સિંહ આખી ઑલિમ્પિક્સમાં ભારતને જિતાડતો રહ્યો અને બ્રૉન્ઝ મેડલ માટેની આ મૅચમાં બન્ને ગોલ (30મી અને 33મી મિનિટમાં) તેણે કર્યા હતા.

આ પણ વાંચો : ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને 12-0થી હરાવ્યો: સેમિમાં પહોંચી ગયો

સ્પેન વતી એકમાત્ર ગોલ કૅપ્ટન માર્ક મિરેલીઝે 18મી મિનિટમાં કર્યો હતો.ટૂંકમાં, સ્પેને 15 મિનિટવાળા બીજા ક્વૉર્ટરમાં 1-0થી સરસાઈ લીધા બાદ ભારતે સ્પૅનિશ ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું અને ઉપરાઉપરી બે ગોલ કરવા ઉપરાંત સ્પૅનિશ ટીમને વધુ એક પણ ગોલ નહોતો કરવા દીધો.ભારતના બે ગોલ પછીના આક્રમણનો સ્પેનના ખેલાડીઓએ વળતો જવાબ આપ્યો હતો, પરંતુ સ્પેનના સામા અટૅકને ગોલકીપર પીઆર શ્રીજેશ અને ડિફેન્ડર્સે નિષ્ફળ બનાવ્યો હતો.

શ્રીજેશે અનેક વાર ગોલ થતો રોક્યો હતો. આ લેજન્ડરી ગોલકીપરની આ છેલ્લી મૅચ હતી. તેણે ઑલિમ્પિક્સ પહેલાં જ જાહેર કરી દીધું હતું કે તેની આ અંતિમ ટૂર્નામેન્ટ છે.એ સાથે, શ્રીજેશની 18 વર્ષની શાનદાર કારકિર્દી પર પડદો પડ્યો છે. તેની ગણના ભારતના સર્વશ્રેષ્ઠ હૉકી-ગોલકીપર તરીકે થઈ રહી છે.

‘ધ ગ્રેટ ઇન્ડિયન વૉલ ઑફ ઇન્ડિયન હૉકી’ તરીકે જાણીતા શ્રીજેશે બ્રૉન્ઝ મેડલ સાથે ભારતીય હૉકીને ગુડબાય કરી છે.
છેલ્લી મિનિટમાં સ્પેનને પેનલ્ટી મળી હતી, પરંતુ પીઆર શ્રીજેશના ડિફેન્ડને કારણે ગોલ થઈ શક્યો નહોતો.

પૅરિસ ઑલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન
ભારતીય હૉકી ટીમે ઑલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જર્મની સામે ભારત હાર્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં ન્યૂ ઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ત્યારબાદ આર્જેન્ટિના સામે ડ્રો મેચ રહી હતી. ભારતે ત્રીજી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું, પરંતુ બેલ્જિયમને સામે હાર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે પણ ઐતિહાસિક જીત મેળવી હતી. આ ઉપરાંત ગ્રેટ બ્રિટનને 3-2થી હરાવ્યું હતું, પરંતુ સેમી ફાઈનલમાં જર્મની સામે હાર્યું હતું.

ઑલિમ્પિકના ઈતિહાસમાં 13મો મેડલ
ભારતીય હૉકી ટીમે ઑલિમ્પિકના ઈતિહાસમાં 13મો મેડલ મેળવ્યો છે. અત્યાર સુધીમાં ભારત આઠ ગોલ્ડ, એક સિલ્વર અને ચાર વખત બ્રૉન્ઝ મેડલ જીત્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button