
શિમલા: હિમાચલ પ્રદેશમાં વરસાદે તારજી સર્જી (Himachal pradesh Flood) છે, કુલ્લુના નિર્મંડ બ્લોક, મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું છે, જેને કારણે ભારે નુકશાન થયું છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય સ્થળોએ કુલ લગભગ 35 લોકો લાપતા હોવાના અહેવાલ છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
મધ્યરાત્રિએ વાદળ ફાટવાથી મંડી જિલ્લાના દ્રાંગ વિધાનસભા ક્ષેત્રના રાજવાન ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી. એકનું મોત થયું છે, તેની લાશ મળી આવી છે. પાણીના જોરદાર પ્રવાહથી અનેક ઘરો ધોવાઈ ગયા છે. 11થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે.
શિમલાથી 100 કિલોમીટર દૂર રામપુરના ઝાકરી વિસ્તારમાં પણ વાદળ ફાટવાની ઘટના બની છે, પૂરના પ્રવાહમાં 20 લોકો લાપતા હોવાના અહેવાલ છે
રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFને બોલાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ માંગી છે.
અધિકારીએ કહ્યું કે બચાવ કાર્ય માટે એડીશનલ ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પોલીસ, હોમગાર્ડ, ફાયર બ્રિગેડ, સન્ની ડેમ મેનેજમેન્ટ અને અન્ય વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.