
શિમલા: રાજ્યસભા ચૂંટણી બાદ હિમાચલ પ્રદેશની કોંગ્રેસની રાજ્ય સરકાર સંકટમાં ઘેરાઈ છે. અહેવાલો મુજબ મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ નિરીક્ષકને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. જોકે, તેમણે હજુ સુધી રાજ્યપાલને કોઈ રાજીનામું આપ્યું નથી.
બીજી તરફ રાજ્યની વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના 15 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરીને ગૃહને સ્થગિત કરી દીધું છે. હિમાચલ પ્રદેશમાં હાલ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના છ વિધાનસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યા પછી રાજકીય સંકટ શરૂ થયું હતું.
હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે 15 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરતા કહ્યું કે તેમની કાર્યવાહી અસંસદીય છે, જેનાથી આ ગૃહ અને વિધાનસભાની ગરિમાને ઠેસ પહોંચી છે અને આ સંજોગોમાં ગૃહ ચલાવવું શક્ય નથી. તેમણે કહ્યું, હું પ્રસ્તાવ કરું છું કે વિધાનસભ્યોને વિધાનસભા ગૃહમાંથી હાંકી કાઢવામાં આવે, જેથી આ માનનીય ગૃહની કાર્યવાહી નિષ્પક્ષ રીતે થઈ શકે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે તેઓ (કોંગ્રેસ) ગમે તેટલો અન્યાય કરે, કોઈ ફાયદો નહીં થાય. એક વાત સ્પષ્ટ છે કે હિમાચલના લોકો બહારના વ્યક્તિને કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર ન હતા, તેમના પોતાના વિધાનસભ્યો પણ તેને સ્વીકારવા તૈયાર ન હતા.
કોંગ્રેસના બળવાખોર વિધાનસભ્ય રવિ ઠાકુરે કહ્યું કે તેઓ ભાજપ સાથે છે. જો કે સુધીર શર્મા, રાજીન્દર રાણા અને અન્ય વિધાનસભ્યોએ મૌન જાળવી રાખ્યું છે.