ગુજરાત સરકાર રચિત યુસીસી કમિટીને હાઈ કોર્ટની લીલીઝંડીઃ સુરતના અરજદારની અરજી ફગાવી | મુંબઈ સમાચાર

ગુજરાત સરકાર રચિત યુસીસી કમિટીને હાઈ કોર્ટની લીલીઝંડીઃ સુરતના અરજદારની અરજી ફગાવી

અમદાવાદઃ યુનિફોર્મ સિવિલ કોડ(યુસીસી) કમિટીમાં લઘુમતી સમુદાયના સભ્યો નહીં હોવાથી કમિટીના ગઠનને પડકારતી રિટ અરજી હાઇ કોર્ટે એક મૌખિક આદેશ મારફત ફગાવી હતી.

આ કેસમાં લેખિત ચુકાદો આગામી સમયમાં બહાર આવશે. આ કેસમાં સુરતની એક અરજદારે દાવો કર્યો હતો કે યુસીસી કમિટીમાં લઘુમતી સમુદાયો અને નિષ્ણાતોનો પૂરતો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમણે કમિટીની રચનાને ગેરકાયદે ગણાવી હતી.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ભાજપ રાષ્ટ્રીય સ્તરે કેમ યુનિફોર્મ સિવિલ કોડ નથી લાવતો?

રાજ્ય સરકારે શું કરી દલીલ

રાજ્ય સરકારે દલીલ કરી હતી કે કમિટીની નિમણૂક કરવાની કાયદાકીય સત્તા સરકારની છે. આ બાબતમાં નિષ્ણાત કોણ હોઇ શકે એનો નિર્ણય અરજદાર ના કરી શકે. હાઈ કોર્ટના આ નિર્ણયથી યુસીસી કમિટી પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી શકશે અને યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધી શકશે.

સુરતના રહેવાસીએ શું કરી હતી અરજી

આ કેસમાં સુરતના રહેવાસી અબ્દુલ વહાબ સોપારીવાલાએ રાજ્યમાં બનેલી યુસીસી કમિટીને પડકારતી અરજી એડવોકેટ ઝમીર શેખ મારફતે દાખલ કરી હતી. જેમાં અરજદાર અને સરકાર એમ બંને પક્ષોને સાંભળીને ગુજરાત હાઇ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ નિરલ મહેતાએ ચુકાદો આપતા અરજી રદ કરી હતી.

આપણ વાંચો: ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, સમિતિએ સીએમ ધામીને ડ્રાફ્ટ સોંપ્યો

આ અરજીમાં રાજ્ય સરકાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા શક્યતાઓ તપાસવા માટે એક કમિટીની જાહેરાત કરી હતી. જે ગુજરાતમાં યુસીસીને લગતો ડ્રાફ્ટ તૈયાર કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈ કોર્ટનો આ નિર્ણય સરકાર માટે મોટી રાહતરૂપ છે. પાછલી ચૂંટણીઓ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યમાં યુસીસી લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ જ વચન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે યુસીસી કમિટીની રચના કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button