
નવી દિલ્હી: ઝારખંડમાં કથિત જમીન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી રહી છે. સેન્ટ્રલ એજન્સી ED તેમનું નિવેદન નોંધવા માટે તેને શોધી રહી છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 29 જાન્યુઆરીના રોજ રાત્રે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના દિલ્હીના બંગલા 5/1 શાંતિ નિકેતનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન 2 BMW કાર, કેટલાક ગુનાહિત દસ્તાવેજો અને 36 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે જ્યારે EDની ટીમ સીએમ હેમંત સોરેનના ઘરે પહોંચી ત્યારે તેઓ ત્યાં હાજર નહોતા અને હજુ સુધી તેમનો કોઈ સંપર્ક થયો નથી. જો કે EDની આ ટીમ 13 કલાકથી વધુ સમય સુધી અહીં રોકાઈ હતી.
દિલ્હી આવ્યા બાદ હેમંત સોરેન ક્યાં છે તેની કોઈ માહિતી નથી. તેમનું ચાર્ટર્ડ પ્લેન દિલ્હી એરપોર્ટ પર ઊભું છે. તેમના ઘણા સ્ટાફના ફોન સ્વીચ ઓફ છે. તેમના અંગત ડ્રાઈવરની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ સોરેન વિશે કંઈ જાણવા મળ્યું ન હતું.
અગાઉ 20 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનની રાંચીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કરી હતી. ત્યારબાદ EDએ નવેસરથી સમન્સ જારી કરીને તેને જણાવવાનું કહ્યું હતું કે તે 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે પૂછપરછ માટે કયા દિવસે આવી શકે છે. પરંતુ હેમંત સોરેને કોઈ જવાબ આપ્યો નહોતો.
નોંધનીય છે કે દિવસભર ચાલેલા ઓપરેશન દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ લગભગ 36 લાખ રૂપિયા રોકડા, હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર ઉપરાંત કેટલાક ‘ગુનાહિત’ દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસ એજન્સી સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે હેમંત સોરેનની કારમાંથી જ 36 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી.