કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ | મુંબઈ સમાચાર

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ બાદ ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ

કેદારનાથ : ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુકાડા અને ડીજીસીએ આગામી આદેશ સુધી આ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યમાં હેલિકોપ્ટર કામગીરી અંગે એસઓપી તૈયાર કરવા કડક સૂચનાઓ આપી છે.

હેલિકોપ્ટર કામગીરી અંગે કડક સૂચનાઓ જાહેર

ઉત્તરાખંડના સીએમ ધામીએ હેલિકોપ્ટર અકસ્માતને ગંભીરતાથી લેતા કામગીરી અંગે કડક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે એક કડક એસઓપી તૈયાર કરવી જોઈએ. જેમાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ કરવી અને ઉડ્ડયન પૂર્વે હવામાન વિશે સચોટ માહિતી લેવી ફરજિયાત બનાવવી જોઈએ.

હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે એસઓપી બનાવાશે

મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે, જે હેલિકોપ્ટર કામગીરીના તમામ ટેકનિકલ અને સલામતી પાસાઓની સંપૂર્ણ સમીક્ષા કરીને એસઓપી તૈયાર કરશે. આ સમિતિ ખાતરી કરશે કે હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સલામત, પારદર્શક અને નિર્ધારિત ધોરણો અનુસાર છે.

સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે

મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે હેલિકોપ્ટર અકસ્માતોની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ આ મામલે રિપોર્ટ સબમીટ કરે. આ સમિતિ રાજ્યમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોની તપાસ કરશે. આ તપાસમાં રવિવારે થયેલા અકસ્માત તેમજ જૂની ઘટનાઓનો સમાવેશ થશે. આ સમિતિ દરેક ઘટનાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને દોષિત વ્યક્તિઓ અથવા સંસ્થાઓની ઓળખ કરશે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં યાત્રાધામ, આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટી સેવાઓ માટે હેલી સેવાઓનું મહત્વ ખૂબ જ વધારે છે. તેથી આમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.

આપણ વાંચો:  ફેક્ટ ચેક : દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે મફત મુસાફરી જેવી કોઇ યોજના નથી, વાયરલ પોસ્ટનો દાવો ખોટો…

ગૌરીકુંડના જંગલોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું

અકસ્માતનો ભોગ બનેલું હેલિકોપ્ટર યાત્રાળુઓ સાથે ગુપ્તકાશી પરત ફરી રહ્યું હતું. ગૌરીકુંડના ધુરી ખાર્ક નજીકના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા. રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર આર્યન હેલી એવિએશનનું હોવાનું કહેવાય છે. ગૌરીકુંડના ઉપરના વિસ્તારમાં ઘાસ કાપતી નેપાળી મૂળની મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશની જાણ કરી હતી. આ પછી બચાવ કામગીરી શરૂ થઈ. મુખ્યમંત્રી ધામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button