હરિયાણાના નવા મુખ્ય પ્રધાન માટે કોનું નામ રેસમાં?: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કરી દીધી સ્પષ્ટતા

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને જાહેર થયેલા એક્ઝિટ પોલના કોંગ્રેસની સરકાર બની રહી હોવાની સ્પષ્ટ આગાહી કરવામાં આવી, ત્યારબાદ હવે રાજ્યના આગામી મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ બની રહેશે તેના પર અટકળો તેજ થઈ છે અને સૌનું ધ્યાન પણ એ જ બાબત પર કેન્દ્રિત થયું છે. જોકે, એક્ઝિટ પોલ ઘણીવાર ખોટા પણ ઠર્યા છે. આ દરમિયાન હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે જો આગામી મુખ્ય પ્રધાન વિશે કોઈ નિર્ણય લેવાની વાત છે, તો નિર્ણય “હાઈ કમાન્ડ” દ્વારા લેવામાં આવશે.
હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે અને વિધાનસભામાં બહુમતી માટે 46 સીટોની જરૂર છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 44થી 61 બેઠકો મળી રહી છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુમારી શૈલજા અને રણદીપ સુરજેવાલાએ પણ મુખ્ય પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી રહ્યા હોવા વિશે જ્યારે ભૂપિન્દર સિંહ હુડ્ડાને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “અમે હાલ વધારે બેઠકો જીતવાની આશા રાખીએ છીએ. ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે, ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે રમતગમતના ક્ષેત્રને પણ ભરડામાં લીધું છે. જ્યાં સુધી સવાલ મંત્રીમંડળ કે સરકાર બનાવવાની છે તો તે નિર્ણય હાઇ કમાન્ડ લેશે.’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુમારી શૈલજા અને રણદીપ સુરજેવાલા પણ મુખ્ય પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી રહ્યા છે, આ પ્રશ્નના જવાબમાં હુડ્ડાએ કહ્યું હતું કે, આ લોકશાહી છે. દરેકે આકાંક્ષાઓ રાખવી જોઈએ. તમારી પણ આકાંક્ષાઓ હોઈ શકે છે. પરંતુ ધારાસભ્યો નક્કી કરશે, હાઈકમાન્ડ નક્કી કરશે.” 27 સપ્ટેમ્બરના રોજ એક ચૂંટણી રેલીને સંબોધતા હુડ્ડાએ હરિયાણામાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળશે તેવી ભવિષ્યવાણી કરી હતી. તેમણે આંતરિક વિખવાદોની વાતોને નકારી કાઢતા કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ માટે એક કરતાં વધુ દાવેદારો હોવાના કારણે પાર્ટી વધુ મજબૂત થશે.