
રોહતકઃ શિષ્ય બહેનોના બળાત્કાર અને હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી 21 દિવસ માટે ફર્લો પર 21 દિવસ જેલ બહાર જવાની પરવાનગી આપવામાં આવી છે.
રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સુનારિયા જેલમાં બંધ હતો. રામ રહીમ આજે સવારે 6.30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ જેલમાંથી મુક્ત થયો હતો. રામ રહીમને જેલમાંથી લેવા માટે આશ્રમની બે ગાડીઓ આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અુનસાર આ દિવસો દરમિયાન રામ રહીમ યુપીના બાગપત આશ્રમમાં રહેશે. રામ રહીમ પોતાના બે શિષ્યો પર બળાત્કાર અને હત્યાના કેસમાં 2017થી જેલમાં છે. તેને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે રામ રહીમને જેલમાંથી ફર્લો મળ્યો હોય. આ પહેલા તે 9 વખત જેલમાંથી બહાર આવી ચૂક્યો છે. આ દસમી વખત છે જ્યારે તેને જેલમાંથી ફર્લો આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 19 જાન્યુઆરીએ જ્યારે રામ રહીમ જેલમાંથી બહાર આવ્યા ત્યારે શિરોમણી ગુરુ દ્વારા પ્રબંધન સમિતિએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રામ રહીમને પેરોલ આપવાના વિરોધમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે હરિયાણાની ભાજપ સરકારને રામ રહીમને પેરોલ આપતા પહેલા હાઈકોર્ટની પરવાનગી લેવા કહ્યું છે. જે બાદ ગુરમીત રામ રહીમને મોટી રાહત આપતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો છે, જેમાં ડેરા પ્રમુખને પેરોલ અથવા ફર્લો પર મુક્ત ન કરવાની સૂચના આપવામાં આવી હતી. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકાર આવા મુદ્દાઓ પર નિર્ણય લેવા સક્ષમ છે. રસપ્રદ વાત એ છે કે, હરિયાણા સરકારે હાઈકોર્ટને પહેલેથી જ કહ્યું છે કે ડેરા વડા કાયદાકીય જોગવાઈ મુજબ પેરોલ અને ફર્લો માટે હકદાર છે.
જોકે રામ રહીમના બહાર આવવાને રાજકારણ અને હરિયાણાની આવનારી ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે હજુ પણ તેમનો અને તેમના આશ્રમનો હરિયાણામાં દબદબો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એમ કહેવામાં આવે છે કે હરિયાણાના નવ જિલ્લાના ત્રણેક ડઝન જેટલી બેઠક પર રામ રહીમનો પ્રભાવ છે. હજુપણ તેમની સાથે 15-20 લાખ અનુયાયીઓ જોડાયેલા છે અને સત્સંગ સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
આવી સ્થિતિમાં દરેક રાજકીય પક્ષ ડેરાની શક્તિને સમજે છે. સિરસા, હિસાર, ફતેહાબાદ, કૈથલ, જીંદ, અંબાલા, યમુનાનગર અને કુરુક્ષેત્ર એવા જિલ્લા છે જ્યાં ડેરા સચ્ચા સૌદાનો સીધો પ્રભાવ છે. આથી જ્યારે જ્યારે હરિયાણામાં ચૂંટણીઓ યોજાવાની હોય ત્યારે રામ રહીમ પે રોલ પર બહાર આવે છે, તેની ચર્ચાઓ થઈ રહી છે.