મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે IPL 2024માં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ટીમની આગેવાની કરશે. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સને પસંદ પડ્યો નથી. રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સના હાર્ડકોર ફેન્સ સોશિયલ મીડિયા પર નારજગી વ્યકત કરી રહ્યા છે.
હાર્દિકને કેપ્ટન્સશીપ સોંપવા અંગે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાહેરાત થયા બાદ તુરંત જ ચાહકોએ કમેન્ટ્સ કરવાનું શરુ કરી દીધું હતું. કેટલાક ચાહકોએ કહ્યું કે તેઓ મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર કેટલાક નારાજ ચાહકોએ કહ્યું કે હાર્દિકે પૈસા માટે ગુજરાતની ટીમ છોડી અને હવે તે મુંબઈની ટીમ સાથે જોડાઈ ગયો છે, આ IPL ઈતિહાસનો સૌથી ખરાબ નિર્ણય છે.
એક ચાહકે લખ્યું કે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હશે, મારા શબ્દો પર લખીને રાખો.
કોઈએ લખ્યું કે કે રોહિત શર્મા બાદ જસપ્રીત બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનવાને લાયક હતો. અન્ય એક્સ યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે અમે આ સ્વીકારી શકતા નથી, રોહિત જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી તેને કેપ્ટન રહેવું જોઈએ. આ સિવાય કેટલાક લોકોએ કહ્યું કે સૂર્યકુમાર યાદવ પણ આ ફ્રેન્ચાઈઝી ટીમનો કેપ્ટન બની શક્યો હોત. સૂર્યા હાલમાં ટીમ ઈન્ડિયાની T20 ટીમની કમાન પણ સંભાળી રહ્યો છે.
જોકે, એવા ઘણા ચાહકો હતા જેઓ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા અંગે એક પોસ્ટ શેર કરી હતી, એક વીડિયો મેસેજમાં મુંબઈ ઈન્ડિયન્સે લખ્યું- 24 એપ્રિલ 2013ના રોજ તમે MIના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તમે વિશ્વાસ અપાવ્યો હતો. જીત અને હારમાં તેમે હંમેશા હસતા રહતા. 10 વર્ષ અને 6 ટ્રોફીઓ પછી આમે આ મુકામ પર છીએ. તમે હંમેશા અમારા કેપ્ટન રહેશો. આ પોસ્ટમાં સૂર્યકુમાર યાદવે એક ઈમોજી પણ શેર કર્યું છે. પરંતુ ચાહકો આ પોસ્ટ પર પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.